રાજકોટ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજા જ દિવસે શાનદાર જીત મેળવી. ટીમ ઈન્ડિયાએ ખેલના દરેક ભાગમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. પહેલા બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ પહેલો દાવ 9 વિકેટ ગુમાવીને 649 પર ડિક્લેર કર્યો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડી અને પહેલો દાવ 181 રને સમેટાયો. ફોલોઅન થયા બાદ વેસ્ટ ઈન્ડિઝે પહેલી ઈનિંગ કરતા થોડી સારી રમત દાખવી પરંતુ હાર ટાળી શકી નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ભવ્ય પ્રદર્શન કર્યું જેમાં પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી. આ ઉપરાંત ઋષભ પંતના તોફાની 92 રનની ઈનિંગ, ચેતેશ્વર પૂજારાના 86 રનની ઈનિંગ પણ મહત્વની રહી. જ્યારે બોલરોમાં મોહમ્મદ શમી સાથે રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને ટકવા દીધા નહી અને ટીમ 181 રને સમેટાઈ. બીજા દાવમાં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું. 


ટીમ ઈન્ડિયાની જીતના પાંચ હીરો


1. પૃથ્વી શોએ પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી
ટીમ ઈન્ડિયાના પહેલા દાવમાં પૃથ્વી શોએ ટેસ્ટ કેરિયરની પહેલી જ મેચમાં સદી ફટકારીને નવી ઉપલબ્ધિ પોતાના નામે કરી. તે ટેસ્ટ કેરિયરની પહેલી મેચમાં સદી ફટકારનાર ચૌથો સૌથી યુવા ખેલાડી બન્યો. આ ઉપરાંત ભારતનો 15મો બેટ્સમેન બન્યો જેણે પોતાની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી. આ ઉપરાંત સૌથી ઝડપથી પહેલી ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેનોની સૂચિમાં તેણે 3જી સ્થાન મેળવ્યું. પૃથ્વીએ 99 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ પહેલા શિખર ધવને 2013માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 85 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે બીજા સ્થાને સામેલ ડ્વેન સ્મિથે દ.આફ્રિકા સામે 2004માં 93 બોલમાં ટેસ્ટ સદી મારી હતી. 


2. કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી
વિરાટ કોહલીએ આ મેચમાં સદી સાથે અનેક રેકોર્ડ બનાવ્યાં. જ્યારે તે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 209 રન હતો. ત્યારબાદ પૃથ્વી શો પણ 232 રનના સ્કોર પર આઉટ થયો. અહીંથી વિરાટે ભારતની ઈનિંગ સંભાળી. ત્યારબાદ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 534 થઈ ગયો હતો. વિરાટે 139 રન કર્યાં. તેની સદીએ અનેક રેકોર્ડ બનાવ્યાં. આ સદી તેની કેરિયરની 24મી સદી હતી જે તેણે 123મી ઈનિંગમાં ફટકારી. ડોન બ્રેડમેન બાદ સૌથી ઝડપીથી બનાવેલી છે. બ્રેડમેને 24મી સદી 66મી ઈનિંગમાં ફટકારી હતી. આ ઉપરાંત વિરાટે આ વર્ષે પોતાના 1000 રન પણ પૂરા કર્યાં. તેણે સતત ત્રીજા વર્ષે 1000 રન કર્યાં. 


3. રવિન્દ્ર જાડેજાનું શાનદાર હરફનમૌલા પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા બેટિંગમાં અણનમ સદી અને ત્યારબાદ બોલિંગમાં પણ વિકેટ લેવા ઉપરાંત એક રનઆઉટ પણ કર્યો. વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં જાડેજાએ 12.5 ઓવરોમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે પહેલી ઈનિંગમાં તેણે એક વિકેટ લીધી હતી. જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં 7મી, 9મી અને 10મી વિકેટ લઈને ટીમને જલદી સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી.


4 રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગ જલદી સમેટી
રવિચંદ્રન અશ્વિન આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગમાં ભારતનો હીરો બની રહ્યો. મહેમાન ટીમની પહેલી ઈનિંગમાં અશ્વિને સૌથી વધુ 4 વિકેટ લીધી અને તે પણ અતિ મહત્વપૂર્ણ સમયે. ત્યારબાદ બીજી ઈનિંગમાં પણ અશ્વિને ભારતને પહેલી સફળતા અપાવતા બે વિકેટ લીધી. જો કે અશ્વિન બેટિંગમાં ફક્ત 7 રન બનાવીને જ આઉટ થઈ ગયો. 


5. કુલદીપ યાદવે કોઈને ટકવા દીધા નહીં
પહેલા દાવમાં ફક્ત એક વિકેટ લેનારા કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં મહેમાન ટીમની બેટિંગ લાઈન તોડી નાખી. કુલદીપે બીજા દાવમાં પહેલી વિકેટ પડ્યા બાદ સતત છ વિકેટ લીધી. જેમાં ટીમ ઈન્ડિયા માટે જોખમ બની રહેલા કેરન પોવેલની વિકેટ પણ સામેલ હતી. જેણે બીજી ઈનિંગમાં 89 રનની ઈનિંગ રમી. પોવેલના 89 રન બાદ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફક્ત 196 રન જ કરી શકી. કુલદીપે પહેલીવાર ટેસ્ટ મેચમાં 6 વિકેટ લીધી છે. તે ટેસ્ટ, વનડે અને ટી20 એમ ત્રણેય ફોર્મેટમાં એક દાવમાં 5 વિકેટ લેનારો બીજો બોલર છે. કુલદીપ ઉપરાંત આ ઉપલબ્ધિ ફક્ત ભુવનેશ્વર કુમારના નામે જ હતી.