નવી દિલ્હીઃ ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ) હવે અંતિમ તબક્કામાં છે. આ લીગની 59 મેચ પૂરી થઈ ગઈ છે. હવે માત્ર એક મેચ બાકી છે. રવિવારે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે ફાઇનલ મુકાબલો છે. એટલે કે ચેમ્પિયન માટે એક દિવસની રાહ જોવી પડશે. આ તો રહી ટીમની વાત. પરંતુ જો આ ટૂર્નામેન્ટમાં સૌથી શાનદાર બેટિંગની વાત કરીએ તો તેનો ખિતાબ નક્કી થઈ ચુક્યો છે. લીગમાં સૌથી વધુ રન બનાવવા માટે ઓરેન્જ કેપ (Orange Cap) આપવામાં આવે છે અને તેનો નિર્ણય થઈ ગયો છે કે આ વખતે આ તાજ કોને મળશે. રસપ્રદ વાત છે કે જેને આ એવોર્ડ મળવાનો છે, તેણે આઈપીએલ-12માં પોતાની અંતિમ મેચ 29 એપ્રિલે રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યાં છીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરની. 32 વર્ષના ડેવિડ વોર્નરે ભલે લીગની બધી મેચ ન રમી. તેની ટીમ ફાઇનલમાં ન પહોંચી. પરંતુ તેનો ખોફ ઓછો ન થયો. તેણે લીગમાં માત્ર 12 મેચ રમીને કમાલ કરી દીધો છે, જે ઘણા ક્રિકેટર 16 મેચ રમીને પણ ન કરી શક્યા. ડેવિડ વોર્નર આ લીગમાં 12 મેચ રમ્યો અને તેણે 69.20ની એવરેજથી 692 રન બનાવ્યા. આઈપીએલમાં વિશ્વભરના દિગ્ગજો રમે છે, પરંતુ કોઈપણ ડેવિડ વોર્નરની આસપાસ પહોંચી શક્યું નથી. 


ડેવિડ વોર્નર આઈપીએલની હાલની સિઝનમાં એકમાત્ર બેટ્સમેન છે, જેણે 600 રનનો આંકડો પાર કર્યો છે. કોઈપણ બેટ્સમેન આ આંકડાને પાર કરી શક્યો નથી. પંજાબ માટે રમનાર કેએલ રાહુલ (593) તેની નજીક પહોંચી શક્યો. ધવન (521) આ યાદીમાં ત્રીજા અને આંદ્રે રસેલ (510) ચોથા અને ડી કોક (500) પાંચમાં ક્રમે છે. આ સિવાય લીગમાં કોઈપણ બેટ્સમેન 500 રન બનાવી શક્યો નથી. રાહુલ, ધવન, રસેલની ટીમો આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે. ડી કોકે હજુ એક મેચ રમવાની છે, જે બેટ્સમેનોની મેચ બાકી છે, તેમાં ડી કોક બાદ એમએસ ધોની (414), વોર્નરની નજીક છે. સ્પષ્ટ છે કે ડી કોક અને ધોની ગમે તેટલા રન બનાવી લે પરંતુ વોર્નરને પાછળ છોડવો અશક્ય છે. 


IPL-12માં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ)
ખેલાડી    મેચ     રન
ડેવિડ વોર્નર    12    692
કેએલ રાહુલ    14    593
શિખર ધવન    16    521
આંદ્રે રસેલ     14    510
ડી કોક          15    500

ઓરેન્જ કેપની જેમ પર્પલ કેપ પર પણ તમાની નજર છે. પર્પલ કેપ, સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરને આપવામાં આવે છે. આ કેપ માટે દક્ષિણ આફ્રિકાના બે બોવર કગિસો રબાડા અને ઇમરાન તાહિર વચ્ચે મુકાબલો છે. દિલ્હી માટે રમનાર રબાડાએ 12 મેચમાં 25 વિકેટ ઝડપી છે. ઇમરાન તાહિર 16 મેચોમાં 24 વિકેટની સાથે બીજા ક્રમે છે. તેણે એક મેચ હજુ રમવાની છે. તેવામાં જો ઇમરાન તાહિર બે વિકેટ ઝડપે છે, તો તે રબાડાને પછાડી શકે છે.