IPL 2019: પ્લેસિસની IPLમાં કમાલ, આમ કરનાર ચેન્નઈનો પ્રથમ ખેલાડી
કોલકત્તા વિરુદ્ધ મેચમાં ફાફ ડુ પ્લેસિસે આ સિદ્ધિ મેળવી છે.
કોલકત્તાઃ ઈન્ડિયન ટી20 લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ખેલાડી ફાફ ડુ પ્લેસિસ મેચની એક ઈનિંગમાં 4 કેચ ઝડપનાર આઈપીએલનો છઠ્ઠો ફીલ્ડર બની ગયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રવિવારે રાયેલા મેચમાં દિનેશ કાર્તિકનો કેચ ઝડપીને પ્લેસિસે આ સિદ્ધિ મેળવી હતી.
આફ્રિકાના ક્રિકેટર પ્લેસિસ સિવાય આઈપીએલમાં આ સિદ્ધિ પાંચ બીજા ખેલાડી પણ મેળવી ચુક્યા છે. સૌથી પહેલા 2008માં મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર સચિન તેંડુલકરે કોલકત્તા વિરુદ્ધ ફીલ્ડિંગ કરતા એક ઈનિંગમાં ચાર કેચ ઝડપ્યા હતા. ત્યારબાદ આઈપીએલની ત્રીજી સિઝન 2010માં ડેવિડ વોર્નરે દિલ્હી વિરુદ્ધ રાજસ્થાનના મેચમાં ચાર બેટ્સમેનોનો કેચ ઝડપીને તેને આઉટ કર્યો હતો.
આ રીતે 2011માં કેકેઆર અને દિલ્હી વચ્ચે રમાયેલા મેચમાં જેક કાલિસે ચાર કેચ ઝડપ્યા હતા.
આ સિવાય આઈપીએલની 12મી સિઝનમાં અત્યાર સુધી ત્રણ ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ થઈ ચુક્યા છે. તેમાં રાહુલ તેવતિયા, ડેવિડ મિલર અને ફાફ ડુ પ્લેસિસ સામેલ છે. દિલ્હીના ક્રિકેટર તેવતિયાએ મુંબઈ વિરુદ્ધ, મિલરે મુંબઈ વિરુદ્ધ અને પ્લેસિસે કોલકત્તા વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો છે.