IPL 2019: જયપુરમાં પ્રથમ વખત જીત્યું પંજાબ, રાજસ્થાનને 14 રને હરાવ્યું
પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 170 રન બનાવી શકી હતી.
જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના ચોથા મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને રને પરાજય આપીને વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબે ક્રિસ ગેલ (79) અને શરફરાઝ ખાન (46) રનની મદદથી 20 ઓવપમાં 4 વિકેટે 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 170 રન બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી જોસ બટલર (69)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સાથે કિંગ્સ ઈલેવન પંજાબ જયપુરમાં પ્રથમ જીત મેળવવામાં સફળ થયું છે. પંજાબ તરફથી સેમ કરન, મુઝિબ ઉર રહમાન અને અંકિત રાજપૂતે બે-બે વિકેટ ઝડપી હતી. તો આર.અશ્વિનને એક સફળતા મળી હતી.
185 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના બંન્ને ઓપનર અંજ્કિય રહાણે અને જોસ બટલરે શાનદાર શરૂઆત કરી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 64 રન જોડ્યા હતા. ટીમે 78 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રહાણે (27)ને અશ્વિને બોલ્ડ કર્યો હતો. તેણે 20 બોલમાં 4 બાઉન્ડ્રી ફટકારી હતી. આ દરમિયાન બટલરે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.
બટલર 69 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તે બીજા છેડે હતો ત્યારે અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. અશ્વિન બોલ ફેંકે તે પહેલા બટલરનું બેટ ક્રિઝની બહાર નિકળી ગયું હતું અને અશ્વિને તેને કોઈપણ વોર્નિંગ આપ્યા વિના રનઆઉટ કરી દીધો હતો. આ ઘટનાને પગલે બટલર નારાજ પણ જણાયો હતો. બટલરે 43 બોલમાં 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.
રાજસ્થાનને અંતિમ 4 ઓવરમાં જીતવા માટે 39 રનની જરૂર હતી. સેમ કરને ઈનિંગની 17મી ઓવરમાં રાજસ્થાનને બે ઝટકા આપ્યા હતા. પહેલા સ્ટીવ સ્મિથ (19) અને સંજુ સૈમસન (30)ને આઉટ કર્યા હતા.
કિંગ્સ ઇલેવન પંજાબની ઈનિંગનો રોમાંચ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ પ્રથમ ઓવરમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પંજાબે પાવરપ્લેમાં ધમી બેટિંગ કરી અને 6 ઓવરમાં 32/1 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ (22)એ ક્રિસ ગેલની સાથે બીજી વિરેટ માટે 56 રન જોડ્યા, પરંતુ નવમી ઓવરમાં કિંગ્સને બીજો ઝટકો લાગ્યો હતો. 10 ઓવર બાદ ટીમનો સ્કોર 68/2 હતો અને અહીંથી ક્રિસ ગેલે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. 12મી ઓવરમાં જયદેવ ઉનડકટની બોલિંગમાં સતત ચાર બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારીને ગેલે અડધી સદી પૂરી કરી હતી.
ગેલે 47 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 79 રન ફટકાર્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે સરફરાઝ ખાનની સાથે 84 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ ખાને 29 બોલમાં 46 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 180ને પાર પહોંચાડ્યો હતો. નિકોલસ પૂરને 14 બોલમાં 12 રન બનાવ્યા હતા. મંદીપ સિંહ 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ તરફથી બેન સ્ટોક્સે બે અને ધવલ કુલકર્ણી તથા કૃષ્ણપ્પા ગૌતમને એક-એક વિકેટ મળી હતી.