IPL 2020: શાનદાર ફોર્મમાં રહેલી દિલ્હી કેપિટલ્સ આજે હૈદરાબાદ સામે ટકરાશે
DC vs SRH Match Preview And prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. દિલ્હીએ જ્યાં પોતાની બંન્ને મેચ જીતી છે તો હૈદરાબાદ પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.
અબુધાબીઃ સતત બે જીતથી આત્મવિશ્વાસથી ભરપૂર દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ મુકાબલામાં લયને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ડેવિડ વોર્નરની આગેવાની વાળી સનરાઇઝર્સની ટીમ ટૂર્નામેન્ટની એકમાત્ર ટીમ છે, જે પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે શરૂઆતી બંન્ને મેચોમાં શાનદાર જુસ્સો દેખાડ્યો અને આત્મવિશ્વાસ વધારનારી જીત મેળવી છે.
શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં હરાવ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને આસાનીથી પરાજય આપ્યો હતો. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સનરાઇઝર્સનો પ્રયાસ ટૂર્નામેન્ટમાં વાપસી કરવા પર હશે. સત્રના શરૂઆતી મુકાબલામાં જોની બેયરસ્ટો (61) અને મનીષ પાંડે (34)ની ઈનિંગથી સારી સ્થિતિમાં હોવા છતાં ટીમ 164 રનનો લક્ષ્ય હાસિલ કરવામાં નિષ્ફળ રહી હતી.
હૈદરાબાદની ટીમમાં ઘણી સમસ્યા
કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ બીજી મેચમાં ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. આ મુકાબલામાં રિદ્ધિમાન સાહાની ધીમી બેટિંગની ટીકા થઈ હતી. તેની પાસે આશા હશે કે તે ફોર્મેટ પ્રમાણે બેટિંગ કરે. દિલ્હી માટે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરોની જોડી કગિસો રબાડા અને એનરિક નોર્ત્જેએ નવા બોલથી સારૂ પ્રદર્શન કર્યું છે, જ્યારે સ્પિનરોમાં અક્ષર પટેલ અને અમિત મિશ્રાએ અશ્વિનની ગેરહાજરીમાં દમદાર બોલિંગ કરી હતી.
અશ્વિનની ઈજા પર આવ્યું અપડેટ
અશ્વિન પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને સનરાઇઝર્સ વિરુદ્ધ પણ તેના રમવાની આશા ઓછી છે. લેગ સ્પિનર મિશ્રાએ મેચ પૂર્વે કહ્યુ, આ ઈજા ગંભીર નથી, તેણે કાલે નેટ પર બોલિંગ કરી, તે જલદી વાપસી કરશે. તે ફિઝિયોની દેખરેખમાં છે. તે વધુ એક મેચમાં બહાર રહી શકે છે.
શિખર અને શો શાનદાર ફોર્મમાં
બેટિંગમાં એકવાર ફરી અનુભવી શિખર ધવન અને યુવા પૃથ્વી શો પર સારી શરૂઆત અપાવવાનો દારોમદાર હશે. રિષભ પંત અને અય્યરે ચેન્નઈ વિરુદ્ધ સારી બેટિંગ કરીને લયમાં હોવાના સંકેત આપ્યા. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સ્ટોઇનિસે પણ બેટથી યોગદાન આપ્યું છે, જ્યારે ટીમને વિન્ડિઝના શિમરન હેટમાયરથી સારા પ્રદર્શનની આશા હશે. સનરાઇઝર્સ માટે મધ્યમક્રમ નબળી કડી છે. ટીમ જો ટૂર્નામેન્ટમાં જીત મેળવવી છે તો વોર્નર અને બેયરસ્ટો સિવાય બીજા બેટ્સમેનોએ પણ યોગદાન આપવું પડશે.
હૈદરાબાદમાં વિલિયમસનની થઈ શકે છે વાપસી
આઈપીએલનું ટાઇટલ 2016મા જીતનારી ટીમે ઈજાગ્રસ્ત મિશેલ માર્શના સ્થાને અફઘાનિસ્તાનના નબીને મેદાનમાં ઉતાર્યો હતો. નબીએ બેટ અને બોલથી યોગદાન આપ્યું હતું. ટીમ પરંતુ આ મેચમાં મધ્યમક્રમ મજબૂત કરવા માટે નબીના સ્થાને વિલિયમસનને અંતિમ-11મા સામેલ કરી શકે છે. હૈદરાબાદ માટે રાશિદ ખાને બોલિંગમાં સારૂ પ્રદર્શન કર્યુ છે પરંતુ તેને બીજા બોલરોનું સમર્થન મળ્યું નથી.
દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, શિમરોન હેટ્માયર , માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube