અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં શનિવારના પ્રથમ મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 59 રને પરાજય આપ્યો છે. પહેલા તેણે નીતીશ રાણા અને સુનીલ નરેનની તોફાની અડધી સદીની મદદથી 194 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ વરૂણ ચક્રવર્તી (20/5) અને પેટ કમિન્સ (17/3)ની ઘાતક બોલિંગની મદદથી ફોર્મમાં ચાલી રહેલી દિલ્હીને 9 વિકેટના નુકસાન પર 135 રન પર રોકી લીધી હતી. આ જીતની સાથે કેકેઆરની ટીમના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ચોથા સ્થાને વધુ મજબૂત બની ગઈ છે. બીજીતરફ દિલ્હી 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ કમિન્સે બંન્ને ઓપનરોને કર્યા આઉટ
195 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી. ઈનિંગની પ્રથમ ઓવરમાં પેટ કમિન્સે રહાણેને LBW કરી દીધો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં કમિન્સે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ધવન (6)ને બોલ્ડ કરી દીધો હતો. ત્યારે દિલ્હીનો સ્કોર 2 વિકેટે 13 રન થઈ ગયો હતો. 


અય્યર અને પંતે જોડ્યા 63 રન
ઓપનર્સ આઉટ થયા બાદ અય્યર અને રિષભ પંતે મોર્ચો સંભાળ્યો હતો. આ જોડી ખતરનાક થઈ રહી હતી ત્યારે 12મી ઓવરના બીજા બોલે વરૂણ ચક્રવર્તીને મોટી હિટ ફટકારવા જતા પંત કેચઆઉટ થયો હતો. પંતે 33 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેના અને અય્યર વચ્ચે 63 રનની ભાગીદારી થઈ હતી. 


વરૂણ ચક્રવર્તીએ એક ઓવરમાં હેટમાયર અને અય્યરને કર્યા આઉટ
પંત અને અય્યરની ધીમી બેટિંગ બાદ રનનો દબાવ વધી ગયો હતો. નવા બેટ્સમેન શિમરોન હેટમાયર (10)એ મોટી હિટ લગાવવાનો નિર્ણય લીધો, પરંતુ તે બોલ મેદાન બહાર ન પહોંચાડી શક્યો. તે વરૂણ ચક્રવર્તીની ઓવરમાં ત્રિપાઠીને કેચ આપી બેઠો. ત્યારબાદના બોલ પર કેપ્ટન અય્યર પણ આઉટ થયો. અય્યરે 38 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા. આ બંન્ને વિકેટ 14મી ઓવરમાં પડી હતી. 


વરૂણ ચક્રવર્તીની પાંચ વિકેટ
વરૂણ ચક્રવર્તીએ સ્ટોયનિસ (6) અને અક્ષર પટેલ (9)ને આઉટ કરીને પોતાની પાંચ વિકેટ ગુમાવી કરી હતી. આ સીઝનમાં તે પ્રથમ બોલર છે જેણે પાંચ વિકેટ ઝડપી છે. 


કેકેઆરની ઈનિંગનો રોમાંચ
કોલકત્તા નાઇટ રાઇડર્સ નીતીશ રાણા (81 રન, 53 બોલ) અને ઓલરાઉન્ડર સુનીલ નરેન (64 રન, 32 બોલ)ની અડધી સદી અને બંન્ને વચ્ચે ચોથી વિકેટ માટે થયેલી 115 રનની ભાગીદારીની મદદથી દિલ્હી વિરુદ્ધ 6 વિકેટે 194 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે એનરિક નોર્ત્જે અને રબાડાએ બે-બે વિકેટ ઝડપી હતી. તો અશ્વિને ત્રણ ઓવરમાં 45 રન આપી દીધા હતા. માર્કસ સ્ટોયનિસે ઈનિંગની અંતિમ ઓવરમાં બે સફળતા મેળવી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર