IPL 2021: આખરે દિલ્હીને મળી સફળતા, મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું
દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરી મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે દિલ્હીની ટીમને ચેપોકમાં 2010 બાદ જીત મળી છે.
ચેન્નઈઃ આખરે દિલ્હી કેપિટલ્સ (DC) ને મુંબઈ ઈન્ડિયન્સને (MI) હરાવવાનો શ્રેય મળ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 13મી મેચમાં રિષભ પંતની આગેવાનીમાં દિલ્હીએ મુંબઈને 6 વિકેટે પરાજય આપી ચેપોકમાં શાનદાર વિજય મેળવ્યો છે. મહત્વનું છે કે પાછલી સીઝનમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે ચાર વખત ટક્કર થઈ હતી જેમાં ચારેય વખત મુંબઈની ટીમને જીત મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો છે. દિલ્હીની આ ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત છે.
દિલ્હીની ખરાબ શરૂઆત
મુંબઈએ આપેલા 138 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં પૃથ્વી શો (7) રન બનાવી જયંત યાદવનો શિકાર બન્યો હતો. ટીમે પાવરપ્લેમાં 1 વિકેટે 39 રન બનાવ્યા હતા. શિખર ધવન અને સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 64 રન હતો ત્યારે સ્ટીવ સ્મિથ (33) રન બનાવી પોલાર્ડનો શિકાર બન્યો હતો. સ્મિથે 29 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્યારબાદ લલિલ યાદવ ક્રિઝ પર આવ્યો હતો. તેણે ધવન સાથે મળી ટીમનો સ્કોર 100 પર પહોંચાડ્યો હતો. શિખર ધવન 42 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 45 રન બનાવી રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો. જસપ્રીત બુમરાહે રિષભ પંત (7)ને આઉટ કરી મુંબઈને ચોથી સફળતા અપાવી હતી. શિમરોન હેટમાયરે અણનમ 14 અને લલિત યાદવ 22 રન બનાવી અણનમ રહ્યો હતો.
મુંબઈની ઈનિંગ, માત્ર રોહિત શર્મા ચાલ્યો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમને પ્રથમ ઝટકો ક્વિન્ટન ડિ કોકના રૂપમાં લાગ્યો, જે 4 બોલમાં 1 રન બનાવી માર્કસ સ્ટોયનિસની ઓવરમાં રિષભ પંતના હાથે કેચઆઉટ થયો હતો. બીજી સફલતા દિલ્હીને સૂર્યકુમાર યાદવના રૂપમાં મળી, જે 15 બોલમાં 24 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં આઉટ થયો હતો. રોહિત શર્મા ત્રીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. રોહિત 30 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 44 રન બનાવી અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ અમિત મિશ્રાએ હાર્દિક પંડ્યા (0)ને આઉટ કરી દિલ્હીને મોટી સફળતા અપાવી હતી. પાંચમી સફળતા દિલ્હીને લલિત યાદવે અપાવી હતી. તેણે કૃણાલ પંડ્યાને 1 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. પોલાર્ડ 2 રન બનાવી અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મિશ્રાએ ઈશાન કિશન (26)ને આઉટ કરી પોતાની ચોથી વિકેટ ઝડપી હતી.
આઠમી વિકેટના રૂપમાં જયંત યાદવ (23) રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આવેશ ખાને રાહુલ ચહર (6)ને આઉટ કરી દિલ્હીને નવમી સફળતા અપાવી હતી. દિલ્હી તરફથી અમિત મિશ્રાએ ચાર, આવેશ કાને બે વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube