IPL 2021: કોહલી-પડિક્કલનું વાવાઝોડુ, બેંગલોરે રાજસ્થાનને હરાવી સતત ચોથી જીત મેળવી
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલની 14મી સીઝનમાં પોતાનો વિજય રથ આગળ વધારતા રાજસ્થાન રોયલ્સને 10 વિકેટે પરાજય આપ્યો છે.
મુંબઈઃ દેવદત્ત પડિક્કલ (101) અને વિરાટ કોહલી (72) ની શાનદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ને 10 વિકેટે કારમો પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે 16.3 ઓવરમાં 181 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
આરસીબીની વિસ્ફોટક શરૂઆત
રોયલ ચેલેન્જર્સ બેંગલોરને કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે દમદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં 60 રન બનાવી દીધા હતા. ત્યારબાદ પણ બન્નેએ આક્રમક બેટિંગ કરી અને 10 ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. આ દરમિયાન પડિક્કલે પોતાની અડધી સદી પૂરી કરી હતી.
પડિક્કલે આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી
યુવા ઓપનર દેવદત્ત પડિક્કલે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે રાજસ્થાન સામે 51 બોલમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ આઈપીએલની 14મી સીઝનની બીજી સદી છે. આ પહેલા સંજૂ સેમસને સદી ફટકારી હતી. આ સાથે પડિક્કલ આઈપીએલમાં સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
આ પણ વાંચોઃ IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી બહાર
વિરાટ કોહલીએ આઈપીએલમાં 6 હજાર રન પૂરા કર્યા આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 6 હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 34 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. આ તેના આઈપીએલ કરિયરની 40મી અડધી સદી છે. વિરાટ કોહલી 47 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો.
બેટિંગ વિકેટ પર રાજસ્થાનના ટોપ ઓર્ડરનો ધબડકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને ત્રીજી ઓવરમાં જોસ બટલર (8) ના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. બટલરને સિરાજે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ મનન વોહરા (7) કાઇલ જેમિસનનો શિકાર બન્યો હતો. 18 રનનો સ્કોર પર ટીમે ડેવિડ મિલર (0)ની વિકેટ ગુમાવી હતી. આ સફળતા પણ સિરાજને મળી હતી. રાજસ્થાને પાવરપ્લેમાં 32 રન બનાવ્યા હતા.
લોઅર ઓર્ડરે સંભાળી ઈનિંગ
કેપ્ટન સંજૂ સેમસન ફરી ફ્લોપ રહ્યો હતો. તે 21 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રિયાન પરાગ અને શિવમ દુબેએ ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. રિયાન પરાગ (25) હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. તેણે 16 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબે (46) ને કેન રિચર્સડને આઉટ કર્યો ગતો. દુબેએ 32 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
અંતમાં રાહુલ તેવતિયાએ 23 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 40 રન બનાવી ટીમનો સ્કોર 170ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. ક્રિસ મોરિસે 10 રન બનાવ્યા હતા. શ્રેયસ ગોપાલ 7 રન બનાવી અણનમ રહ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી સિરાજે 27 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલને પણ ત્રણ સફળતા મળી હતી. આ સિવાય કેન રિચર્ડસન, કાઇલ જેમિસન અને સુંદરને એક-એક સફળતા મળી હતી.
આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube