નવી દિલ્હી: આઇપીએલ 2022 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની સફર અત્યાર સુધી ઘણી ખરાબ રહી છે. સીએસકેએ આ સીઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે અને ટીમે એક પણ મેચ જીતી નથી. આ સીઝનની શરૂઆત પહેલા જ એમએસ ધોનીએ કેપ્ટન પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેપ્ટન તરીકે જાડેજા ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. એવામાં હવે CSK ની સતત હારને લઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે ધોની પછી જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવો જોઈતો ન હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
જ્યારથી એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી છે ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ જાડેજાની કેપ્ટનશીપને લઇને મોટું નિવેદન આપ્યું છે. ઈએસપીએન ક્રિકઇન્ફો પર વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું, મને લાગે છે કે જાડેજા જેવા ખેલાડીનું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર રહેવું જોઇએ, તેમમે ફાફ ડુ પ્લેસિસને ટીમથી બહાર કરી મોટી ભૂલ કરી છે. સીએસકેએ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવવો જોઈતો હતો. જાડેજાને એક ખેલાડી તરીકે રમવું જોઇએ જેના કારણે આ ખેલાડી ખુલ્લા દિલથી મેદાન પર ઉતરી શકતો હતો.


ડુ પ્લેસિસને ન કર્યો રિટેન
ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલ 2022 ની શરૂઆત પહેલા ફાફ ડુ પ્લેસિસને રિટેન કર્યો ન હતો. ફાફ ડુ પ્લેસિસને આઇપીએલ મેગા ઓક્શન 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે. કેપ્ટન તરીકે ફાફ ડુ પ્લેસિસ શાનદાર પ્રદર્શન પણ કરી રહ્યો છે. આઇપીએલ 2022 માં ફાફ ડુ પ્લેસિસે આરસીબી માટે અત્યાર સુધી 4 મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 3 મેચમાં જીત મેળવી છે.


ધોનીએ જીતાડ્યા 4 આઇપીએલ ખિતાબ
એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું. સીએસકેએ અત્યાર સુધીમાં 2010, 2011, 2018 અને 2021 માં 4 વખત આઇપીએલ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ચાર ખિતાબ ટીમને ધોનીની કેપ્ટનશીપમાં જીત્યા છે. આ ઉપરાંત આ ટીમ 2020 ને છોડી દરેક આઇપીએલના પ્લેઓફ સુધી પહોંચી છે. ગત સીઝન સીએસકેએ કેકેઆરને હરાવી ખિતાબ જીત્યો હતો. આ સીઝનમાં ટીમની આગામી મેચ 12 એપ્રિલના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube