RCB vs CSK: ઉથપ્પા-શિવમ દુબેની વિસ્ફોટક ઈનિંગ, જાડેજાની આગેવાનીમાં ચેન્નઈને મળી પ્રથમ જીત
IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ની સીઝનમાં આખરે ચેન્નઈ સુપર કિંગ્સે પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવી લીધુ છે. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ આરસીબીને 23 રને પરાજય આપ્યો છે.
મુંબઈઃ શિવમ દુબે અને રોબિન ઉથપ્પાની દમદાર બેટિંગ અને મહેશ તીક્ષણાની ચાર વિકેટની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 23 રને પરાજય આપી પ્રથમ જીત મેળવી છે. આ સાથે રવિન્દ્ર જાડેજાની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવ્યું છે. સતત ચાર હાર બાદ ચેન્નઈને પ્રથમ જીત મળી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 216 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આરસીબીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 193 રન બનાવી શકી હતી.
આરસીબીના ટોપ ઓર્ડરનો ધબડકો
ચેન્નઈએ આપેલા 217 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. ફાફ ડુ પ્લેસિસ 8 રન બનાવી મહેશ તીક્ષણાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી 1 રન બનાવી મુકેશ ચૌધરીની ઓવરમાં આઉટ થયો હતો. અનુજ રાવત માત્ર 12 રન બનાવી મહેશ તીક્ષણાનો શિકાર બન્યો હતો. આરસીબીએ પાવરપ્લેમાં 3 વિકેટે 42 રન બનાવ્યા હતા.
ગ્લેન મેક્સવેલ 11 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 26 રન બનાવી આઉટ થયો હતો. શાહબાઝ અહમદે 21 અને સુયષ પ્રભુદેસાઈ 18 બોલમાં 34 રન બનાવી આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 14 બોલમાં ત્રણ સિક્સ અને 2 ફોર સાથે બ્રાવોનો શિકાર બન્યો હતો. હસરંગા માત્ર 7 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. અક્ષદીપ ખાતુ ખોલાવ્યા વગર જાડેજાનો શિકાર બન્યો હતો. મોહમ્મદ સિરાજ 14 અને હેઝલવુડ 7 રન બનાવી અણનમ રહ્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મહેશ તીક્ષણા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 33 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જાડેજાએ 39 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. મુકેશ ચૌધરી અને બ્રાવોને એક-એક સફળતા મળી હતી.
રુતુરાજ ગાયકવાડ ફરી ફ્લોપ
ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ સીઝનમાં સૌથી ચિંતાનો વિષય ઓપનિંગ જોડી રહી છે. પાછલી સીઝનમાં ઓરેન્જ કેપ જીતનાર રુતુરાજ ગાયકવાડ સતત પાંચમી મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. ગાયકવાડ આજે માત્ર 17 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં 1 વિકેટે 35 રન બનાવ્યા હતા. મોઇન અલી 3 રન બનાવી રનઆઉટ થયો હતો.
રોબિન ઉથપ્પા અને શિવમ દુબેએ સિક્સનો વરસાદ કર્યો
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ એક સમયે સંકટમાં હતી. માત્ર 36 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો. રોબિન ઉથપ્પા અને શિવમ દુબેએ આરસીબીના બધા બોલરોની ધોલાઈ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 165 રનની મોટી ભાગીદારી કરી હતી.
રોબિન ઉથપ્પાએ 50 બોલમાં 9 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 88 રન બનાવ્યા હતા. તે હસરંગાની ઓવરમાં આઉટ થયો હતો. તો શિવમ દુબેએ માત્ર 46 બોલમાં 95 રન ફટકારી દીધા હતા. દુબેએ પોતાની ઈનિંગમાં 8 સિક્સ અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબે ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube