મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ની 12મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને પરાજય આપી સીઝનમાં બીજી જીત મેળવી છે. તો હૈદરાબાદનો આ સતત બીજો પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 157 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદની ઓપનિંગ જોડી ફેલ
સનરાઇઝર્સની પાવરપ્લેમાં શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 38 રનના સ્કોર પર પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા. કેપ્ટન કેન વિલિયમસન 16 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આવેશે અભિષેક શર્મા (13) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. હૈદરાબાદે પાવરપ્લેમાં 2 વિકેટે 40 રન બનાવ્યા હતા. 


હૈદરાબાદને 82 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. એડન માર્કરમ 12 રન બનાવી કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. રાહુલ ત્રિપાઠીએ હૈદરાબાદ તરફથી સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરન 34 રન બનાવી આઉટ થયો હતો. વોશિંગટન સુંદરે 18 અને શેફર્ડે 8 રનનું યોગદાન આપ્યું હતું. 


લખનઉ તરફથી આવેશ ખાને શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જેસન હોલ્ડરે 34 રન આપી 3 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાને બે સફળતા મળી હતી. 


આ પણ વાંચોઃ IPL 2022: લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે રચી દીધો ઈતિહાસ, આ લિસ્ટમાં થયો સામેલ

પાવરપ્લેમાં વોશિંગટન સુંદરની શાનદાર બોલિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને બીજી ઓવરમાં ડિકોક (1) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ચોથી ઓવરમાં ઇવિન લુઈસ (1) રન બનાવી આઉટ થયો હતો. આ બંને સફળતા વોશિંગટન સુંદરને મળી હતી. ત્યારબાદ મનીષ પાંડે 11 રન બનાવી રોમારિયો શેફર્ડનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં લખનઉની ટીમ 3 વિકેટે 32 રન બનાવી શકી હતી. 


દીપક હુડ્ડા અને કેએલ રાહુલની અડધી સદી
27 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલ અને દીપક હુડ્ડાએ ઈનિંગ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. દીપક હુડ્ડાએ 33 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 51 રન બનાવ્યા હતા. તો રાહુલ 50 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 68 રન ફટકાર્યા હતા. આયુષ ભદોણીએ 12 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 19 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યા 6 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો હતો. જેસન હોલ્ડર 8 રન બનાવી અણનમ રહ્યો હતો. 


હૈદરાબાદ તરફથી વોશિંગટન સુંદર, ટી નટરાજન અને રોમારિયો શેફર્ડે બે-બે વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube