અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સે પોતાના પ્રથમ પ્રયાસમાં આઈપીએલ-2022ની ટ્રોફી જીતી ઈતિહાસ રચી દીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 133 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ગુજરાત ટાઈટન્સે આ ટ્રોફી જીતી છે, જેમાં પાંચ ખેલાડીઓનું પ્રદર્શન ખુબ મહત્વનું રહ્યુ છે. આ પાંચ પ્લેયરો સીઝનમાં ગુજરાત માટે દમદાર પ્રદર્શન કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા પ્રથમ વખત આઈપીએલમાં ટીમની કમાન સંભાળી રહ્યો હતો. સીઝન પહેલા હાર્દિક પંડ્યા પર સવાલ ઉઠી રહ્યા હતા. પરંતુ આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે જે રીતે પ્રદર્શન કર્યુ હાર્દિક પંડ્યાએ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશિપથી તો બધાને પ્રભાવિત કર્યા પરંતુ તેની બેટિંગ પણ ખુબ મહત્વની રહી હતી. હાર્દિકે આઈપીએલમાં 15 ઈનિંગમાં 487 રન બનાવ્યા છે. તો હાર્દિકે મહત્વના સમયે વિકેટ પણ ઝડપી હતી. 


ડેવિડ મિલર
ગુજરાત ટાઈટન્સ માટે આ સીઝનમાં સૌથી મોટો હીરો સાબિત થયો ડેવિડ મિલર. છેલ્લી પાંચ-છ આઈપીએલ સીઝનમાં ખરાબ પ્રદર્શનને કારણે હરાજીમાં પ્રથમ દિવસે મિલર પર કોઈએ દાવ લગાવ્યો નહીં. પરંતુ ગુજરાતે પોતાની ટીમમાં સામેલ કરી આ આફ્રિકન પ્લેયરને જે વિશ્વાસ અપાવ્યો તો મેદાન પર મિલર કિલર સાબિત થયો. મિલરે આઈપીએલની આ સીઝનમાં 16 ઈનિંગમાં 481 રન બનાવ્યા. મિલરે પોતાના દમ પર અનેક મેચમાં ટીમને જીત અપાવી.


રાશિદ ખાન
અફઘાની સ્પિનર રાશિદ ખાનને ગુજરાત ટાઈટન્સે સીઝન પહેલા ડ્રાફ્ટમાંથી પસંદ કર્યો અને ત્યારબાદ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી દીધો હતો. પરંતુ રાશિદ ખાને મહત્વના સમયે શાનદાર પ્રદર્શન કર્યુ. રાશિદે 16 મેચમાં કુલ 19 વિકેટ ઝડપી છે. રાશિદ લિડિંગ વિકેટ ટેકરના લિસ્ટમાં આ સીઝનમાં આઠમાં સ્થાને રહ્યો છે.


મોહમ્મદ શમી
ગુજરાત ટાઈટન્સની પ્રથમ મેચના પ્રથમ બોલ પર શમીએ વિકેટ ઝડપીને  શાનદાર શરૂઆત અપાવી હતી. તો રાજસ્થાન સામે ફાઇનલમાં પણ શમીએ છેલ્લા બોલે વિકેટ ઝડપી હતી. શમીએ આ સીઝનમાં 16 મેચમાં 24.40ની એવરેજથી કુલ 20 વિકેટ ઝડપી છે. શમીએ પાવરપ્લેમાં ગુજરાતને સફળતા અપાવી હતી. 


શુભમન ગિલ
ગુજરાત માટે ઓપનર શુભમન ગિલે પણ ગુજરાતની ટ્રોફી જીતમાં મહત્વનું યોગદાન આપ્યુ છે. ગિલે આ સીઝનમાં 16 ઈનિંગમાં 483 રન બનાવ્યા છે. શરૂઆતની મેચમાં ગિલે દમદાર ઈનિંગ રમી ટીમને જીત અપાવી હતી. તો આજે ફાઇનલમાં પણ ગિલે એક છેડો સાચવી રાખતા અણનમ 45 રન બનાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube