CSK vs DC: ચેન્નઈ સુપર કિંગ્સનો 27 રને વિજય, દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર
CSK vs DC, IPL 2023: આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આજે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હારવાની સાથે દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર નિકળનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
ચેન્નઈઃ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સે ચેપોકમાં શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સને 27 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ચેન્નઈની ટીમ પ્લેઓફની નજીક પહોંચી ગઈ છે. ચેન્નઈના 12 મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલ-2023માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 167 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 140 રન બનાવી શકી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને પાવરપ્લેમાં એક ઝટકો લાગ્યો હતો. ડેવોન કોનવે 10 રન બનાવી અક્ષરનો શિકાર બન્યો હતો. ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં ચાર ચોગ્ગા સાથે 24 રન બનાવી આઉટ થયો હતો. રહાણેએ 21 રન બનાવ્યા હતા. મોઈન અલી માત્ર સાત રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
શિવમ દુબેએ 12 બોલમાં ત્રણ સિક્સ સાથે 25 રન ફટકાર્યા હતા. અંબાતી રાયડૂએ 17 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ધોની 9 બોલમાં બે સિક્સ અને એક ફોર સાથે 20 રન બનાવી આઉટ થયો હતો. જાડેજાએ 21 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મિચેલ માર્શે 3, અક્ષર પટેલે બે, તથા કુલદીપ યાદવ, ખલીલ અહમદ અને લલીત યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રમાશે વર્લ્ડકપની ઉદ્ઘાટન અને ફાઇનલ મેચ, આ તારીખે ભારત-પાકની થશે ટક્કર
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને બીજા બોલ પર મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર શૂન્ય રન બનાવી દીકપ ચાહરનો શિકાર બન્યો હતો. ફિલ સોલ્ટ 11 અને મિચેલ માર્શ 5 રન બનાવી આઉટ થયા હતા. મનીષ પાંડેએ 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. જ્યારે રિલી રૂસો 35 રન બનાવી આઉટ થયો હતો. અક્ષર પટેલે 12 રનનું યોગદાન આપ્યું હતું.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પથિરાનાએ 4 ઓવરમાં 37 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય દીપક ચાહરને બે અને જાડેજાને એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube