IPL 2024 Playoffs: મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ જઈ શકે પ્લેઓફમાં, RCB માટે પણ બારણા બંધ નથી, જાણો સમીકરણો
પોઈન્ટ ટેબલમાં નવમાં અને 10માં નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પણ હજુ 14 અંક સુધી પહોંચી શકે તેમ છે. ફક્ત 14 અંક જ નહીં પરંતુ પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત છે. જાણો કેવી રીતે.
આઈપીએલ 2024ની 50 મેચો પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પણ ટીમ પ્લેઓફમાં નથી. પોઈન્ટ ટેબલ પર ટોપ પર રાજસ્થાન રોયલ્સ (16) વિશે પણ ન કહી શકાય. બીજી બાજુ પોઈન્ટ ટેબલમાં નવમાં અને 10માં નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પણ હજુ 14 અંક સુધી પહોંચી શકે તેમ છે. ફક્ત 14 અંક જ નહીં પરંતુ પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત છે. જાણો કેવી રીતે.
કોના કેટલા પોઈન્ટ
આઈપીએલ પોઈન્ટ ટેબલમાં હાલ રાજસ્થાન રોયલ્સ 8 મેચ જીતીને 16 અંક સાથે પહેલા નંબરે છે. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, અને સનરાઈઝર્સ હૈદરાબાદ 12-12 અંક સાથે ક્રમશ: બીજા, ત્રીજા અને ચોથા નંબરે છે. ત્યારબાદ ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના 10-10 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સના 8-8 પોઈન્ટ્સ છે. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમો છે જેમના 6-6 અંક છે.
હજુ આટલી મેચ બાકી
ટુર્નામેન્ટમાં હજુ 20 મેચ બાકી છે. જો રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાની બધી મેચો જીતી જાય તો બંને 20 અંક સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. ત્યારબાદ જો લખનઉ અને હૈદરાબાદની ટીમો પોતાની બધી મેચો હારી જાય (સિવાય કે તજેમાં આ બંનેની મેચ હોય). આમ થાય તો લખનઉ કે હૈદરાબાદના 14 અંક થઈ જશે. જેના કારણે તેઓ પ્લેઓફની રેસમાં રહેશે.
આ ટીમો માટે રસ્તો ખુલ્લો!
આ બધુ થઈ જાય અને લખનઉ સુપર જાયન્ટ્સ કે સનરાઈઝર્સ હૈદરાબાદમાંથી કોઈ એકના 14 અંક હોય તો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લુરુનો રસ્તો પણ ખુલી શકે છે. પરંતુ તેના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબીએ પોતાની બધી મેચો જીતવી પડશે. જો આ ટીમો પોતાની બધી મેચો જીતી લે તો તેમના 14 અંક થઈ જશે.
જો કેકેઆર સામે હારી જાય તો મુંબઈ?
જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી જાય તો પણ તેમની ટોપ 4માં રહેવાની શક્યતા રહેશે. પરંતુ તેના માટે એ જ સમીકરણો લાગૂ થશે જે ઉપર જણાવેલા છે. આમ થાય તો મુંબઈ ઈન્ડિયન્સ સહિત 7 ટીમોના એક સરખા પોઈન્ટ્સ રહેશે અને પ્લેઓફમાં સારા રનરેટવાળી ટીમો જશે. આરસીબી માટે પણ આ જ સમીકરણ બેસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube