IPL 2023: રાહુલ-ડીકોક આગળ CSKની બોલિંગ ધરાશાયી, ઘરઆંગણે LSG ની ધમાકેદાર જીત
IPL 2023: આઈપીએલ 2024 ટુર્નામેન્ટનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે લખનઉના એક્ના સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈયેલી મેચમાં લખનઉની ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેચ 8 વિકેટથી જીતી લીધી
આઈપીએલ 2024 ટુર્નામેન્ટનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે લખનઉના એક્ના સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈયેલી મેચમાં લખનઉની ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેચ 8 વિકેટથી જીતી લીધી. મેચમાં ચેન્નાઈની બોલિંગની સાથે બેટિંગ પણ નબળી જોવા મળી અને લખનઉનું ઓવરઓલ પરફોર્મન્સ શાનદાર જોવા મળ્યું.
ટોસ જીતી બોલિંગ પસંદ કરી
લખનઉના કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતીને ચેન્નાઈની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. જો કે ચેન્નાઈની ટીમની શરૂઆત બહુ સારી રહી નહીં. અજિંક્ય રહાણે અને રચિન રવિન્દ્ર ઓપનિંગ કરવા ઉતર્યા હતા પણ રવિન્દ્ર શૂન્ય રને આઉટ થઈ ગયો. ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ 13 બોલમાં 17 રન કરીને વિકેટ ગુમાવી બેઠો. ચેન્નાઈની ટીમ સેટ થાય તે પહેલા તો વિકેટ પડતી ગઈ. ત્યારબાદ રહાણે 24 બોલમાં 36 રન કરીને આઉટ થઈ ગયો. દુબે પણ આજે કમાલ કરી શક્યો નહીં અને 8 બોલમાં 3 રન કરીને પેવેલિયન ભેગો થયો. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલો સમીર રિઝવી પણ 5 બોલમાં 1 રન કરીને આઉટ થઈ ગયો. મોઈન અલી પણ કમાલ કરી શક્યો નહીં અને 20 બોલમાં 30 રન કરીને આઉટ થઈ ગયો. લખનઉની ટીમ તરફથી ક્રુણાલ પંડ્યાએ 2 વિકેટ જ્યારે હેનરી, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, સ્ટોઈનિસે 1-1 વિકેટ લીધી. આ રીતે ચેન્નાઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન કર્યા. છેલ્લે ધોની 9 બોલમાં 28 રન અને રવિન્દ્ર જાડેજા 40 બોલમાં 57 રન કરીને અણનમ રહ્યા હતા. ચેન્નાઈની ટીમે લખનઉની ટીમને 177 રનનો લક્ષ્યાંક આપ્યો.
લખનઉનું શાનદાર પ્રદર્શન
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ તરફથી ક્વિન્ટોન ડી કોક અને કે એલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા અને શાનદાર પ્રદર્શન કર્યું. ડી કોક 43 બોલમાં 54 રન કરીને આઉટ થયો જ્યારે કે એલ રાહુલ 53 બોલમાં 82 રન કરીને આઉટ થયો. આ રીતે લખનઉ સુપર જાયન્ટ્સે 2 વિકેટ ગુમાવીને 6 બોલ બાકી હતા અને 180 રન કરી લક્ષ્યાંક મેળવી લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube