IPL 2024 ની અડધી સફર પૂરી, આ 2 ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર, જાણો ગુજરાતની સ્થિતિ
IPL 2024 : આઈપીએલ હવે જામી રહી છે. તમામ ટીમોએ અડધો પડાવ પાર કરી લીધો છે. હાલમાં રાજસ્થાન ભલે ટોપ પર રહી પણ નંબરો બદલાઈ શકે છે. અત્યાર સુધીમાં 8-8 મેચો રમાઈ છે. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સના ફાળે જે જીત છે તેને જોતા તેઓના પ્લેઓફમાં રમવાની શક્યતા ખુબ જ ધૂંધળી છે
IPL Match : ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઈ રહેલી દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મસમોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 5મી જીત બાદ બીજુ સ્થાન મેળવ્યું અને બીજા જ દિવસે કોલકાતા નાઈટરાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હરાવીને પોતાની જગ્યા પાછી મેળવી લીધી. આ હાર બાદ હવે જે ટીમોની પ્લેઓફની આશા ધૂંધળી થઈ ચૂકી છે તેમાં લગભગ બે ટીમોના નામ તો પાક્કા થઈ ગયા છે.
આ ટીમો થશે બહાર!
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રવિવારે 21 એપ્રિલે રમાયેલી મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના પ્લેઓફની રેસમાં રહેવાની આશાને મોટો ઝટકો મળ્યો છે. ટુર્નામેન્ટની અડધી સફર કાપ્યા બાદ એક બાજુ જ્યાં રાજસ્થાન રોયલ્સ ટોપ ટીમ બની છે અને કોલકાતા નાઈટરાઈડર્સે બીજો નંબર હાંસલ કર્યો છે. જ્યારે જબરદસ્ત ફોર્મમાં એવી હૈદરાબાદ સનરાઈઝર્સની ટીમ ત્રીજા સ્થાને છે. મહેન્દ્ર સિંહ ધોનીની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ ચોથા નંબરે છે. 5માં નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ છે.
2 ટીમો આઉટ?
અત્યાર સુધીમાં 8-8 મેચો રમાઈ છે. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સના ફાળે જે જીત છે તેને જોતા તેઓના પ્લેઓફમાં રમવાની શક્યતા ખુબ જ ધૂંધળી છે. પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે આરસીબીએ ફક્ત એક મેચ જીતી છે. જ્યારે 7 હારી છે. પંજાબની ટીમ પાસે 2 જીત છે અને 6 હારી છે. આગળના બધા મુકાબલા જીત્યા તો પણ આરસીબી વધુમાં વધુ 14 પોઈન્ટ મેળવી શકે જ્યારે પંજાબ બચેલી તમામ મેચ જીતે તો પણ 16 પોઈન્ટ મેળવે. તેમાંથી એક મેચ તો આ બંને ટીમો એકબીજા વિરુદ્ધ રમવાની છે. તો કોઈ એકની હાર તો નિશ્ચિત જ છે.
8 ટીમ પ્લેઓફની રેસમાં
પ્લેઓફની રેસની વાત કરીએ તો ટોપ ચાર ટીમોમાં રાજસ્થાન, કોલકાતા, ચેન્નાઈ, અને લખનઉની દાવેદારી સૌથી મજબૂત છે. સંજૂ સેમસનની ટીમ 12 પોઈન્ટ સાથે સૌથી ઉપર છે અને તેને ફક્ત 2 મેચમાં જીત બાદ આગળના રાઉન્ડમાં જગ્યા મળી જશે. કોલકાતા પાસે 10 પોઈન્ટ છે અને આગામી 3 મેચમાં જીતી જાય તો તે પ્લેઓફમાં પહોંચી શકે છે. ચેન્નાઈ અને લખનઉના 8 પોઈન્ટ છે તો 4 મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
શું છે ગુજરાતની સ્થિતિ
ગુજરાત ટાઈટન્સની ટીમ 8 મેચ રમીને 4 મેચ જીતી છે. જ્યારે આગામી 6 મેચમાંથી તેણે ઓછામાં ઓછી 4 જીત મેળવવી પડે. મુંબઈ ઈન્ડિયન્સે 7 મેચ જીતી છે અને 3 મેચ જીત્યું છે. જ્યારે દિલ્હીના ફાળે 8 મેચ બાદ આટલી જ જીત છે. આ બંને પાસે પણ આગળની મેચો જીતીને પ્લેઓફમાં પહોંચવાની પૂરેપૂરી તક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube