IPL 2024: આઈપીએલમાં બે મેચના કાર્યક્રમમાં થયો ફેરફાર, મજબૂરીમાં બીસીસીઆઈએ લીધો નિર્ણય
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના કાર્યક્રમમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. 17મી સીઝનની બે મેચનો કાર્યક્રમ બદલાયો છે. પ્રથમ મુકાબલો કેકેઆર અને રાજસ્થાન રોયલ્સનો છે જ્યારે બીજો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને ગુજરાતનો છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનો માહોલ જામી ગયો છે. દરેક ટીમોએ ત્રણ-ત્રણ મેચ રમી લીધી છે, પરંતુ આ વચ્ચે બીસીસીઆઈએ આઈપીએલ 2024ના કાર્યક્રમમાં ફેરફારની જાહેરાત કરી છે. પરંતુ બોર્ડે માત્ર બે લીગ મેચની તારીખોમાં ફેરફાર કર્યો છે. કાર્યક્રમમાં ફેરફારનું કારણ આ મહિને યોજાનાર લોકસભા ચૂંટણી છે. ચૂંટણીને કારણે સુરક્ષા સ્વવસ્થાને ધ્યાનમાં રાખતા બે મેચની તારીખને આગળ-પાછળ કરવામાં આવી છે.
કાર્યક્રમમાં કરવામાં આવેલો પ્રથમ ફેરફાર કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચનો છે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો પહેલા 17 એપ્રિલે રમાવાનો હતો. મેચનું આયોજન ઈડન ગાર્ડન્સ કોલકત્તામાં થવાનું હતું, પરંતુ હવે આ મેચ એક દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલે રમાશે.
આ પણ વાંચોઃ વાનખેડેમાં ડરી ગયો રોહિત! ફેન્સે તોડ્યો સુરક્ષા ઘેરો.. હિટમેન અને ઇશાને જીત્યું દિલ
દિલ્હી અને ગુજરાતની મેચમાં પણ થયો ફેરફાર
કેકેઆર અને રાજસ્થાન રોયલ્સ સિવાય દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સના મુકાબલામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને ટીમો વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. આ મેચ પહેલા 16 એપ્રિલે નિર્ધારિત હતી, પરંતુ હવે તે 17 એપ્રિલે રમાશે. શેડ્યૂલને લઈને પહેલા તે જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમાં ફેરફારની સંભાવના છે.
26 મેએ રમાશે ફાઈનલ મુકાબલો
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનો ફાઈનલ મુકાબલો 26 મેએ રમાશે. લીગની શરૂઆત 22 માર્ચથી થઈ હતી. તેમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. આ રીતે ફેન્સ રંગારંગ લીગની બે મહિના સુધી મજા ઉઠાવશે.