હવે IPLમાં વાગશે અદાણીનો ડંકો! નીતા અંબાણીની `દુશ્મન` ટીમ ખરીદવાની થઈ રહી છે તૈયારીઓ
IPL Team: અંબાણી પરિવાર બાદ હવે અદાણી ગ્રુપ પણ આઈપીએલમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે. BCCI એ નવી આઈપીએલ ટીમોને ફેબ્રુઆરી 2025 સુધી પોતાની ભાગીદારી વેચવાથી રોકેલા છે. ફેબ્રુઆરી 2025 બાદ રોક હટી જતા આ ડીલ અમલી થઈ શકે છે.
Gujarat Titans IPL Team: અંબાણી પરિવાર બાદ હવે અદાણી ગ્રુપ પણ આઈપીએલમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સીવીસી કેપિટલ પાર્ટનર્સ ગુજરાત ટાઈટન્સ આઈપીએલ ટીમમાં પોતાનો કંટ્રોલિંગ સ્ટેક વેચવાની તૈયારી કરી રહ્યા છે. જેને લઈને સીવીસીની વાતચીત અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ બંને સાથે ચાલુ છે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર મુજબ સીવીસી સમગ્ર શેર તો નહીં પરંતુ ટીમનો કંટ્રોલિંગ સ્ટેક વેચવા માંગે છે. બાકીના શેર સીવીસી પોતાની પાસે રાખવા માંગે છે.
ફેબ્રુઆરી 2025 બાદ થશે ડીલ
BCCI એ નવી આઈપીએલ ટીમોને ફેબ્રુઆરી 2025 સુધી પોતાની ભાગીદારી વેચવાથી રોકેલા છે. ફેબ્રુઆરી 2025 બાદ રોક હટી જતા આ ડીલ અમલી થઈ શકે છે. સૂત્રોનો દાવો છે કે ત્રણ વર્ષ જૂની ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝીની કિંમત 1 બિલિયન ડોલરથી 1.5 બિલિયન ડોલર વચ્ચે હોવાનો અંદાજો છે. વર્ષ 2021માં સીવીસી કેપિટલ પાર્ટનર્સ તરફથી 5,625 કરોડ રૂપિયા (745 મિલિયન ડોલર)માં આ ટીમ ખરીદવામાં આવી હતી.
CVC શેર વેચી રહી છે?
વર્ષ 2021માં અમદાવાદની આઈપીએલ ટીમને ખરીદવાની તક ચૂક્યા બાદ અદાણી અને ટોરેન્ટ ગ્રુપ ગુજરાત ટાઈટન્સમાં મોટો હિસ્સો ખરીદવાની કોશિશમાં છે. બીજી બાજુ CVC પણ પોતાના હિસ્સાનો નફો કમાઈને વેચવા માંગે છે. અદાણી અને ટોરેન્ટ બંને ગ્રુપ અમદાવાદમાં છે. જ્યારે CVC કેપિટલ લક્ઝમબર્ગમાં છે. જો કે તેને લઈને ત્રણેયએ કોઈ પણ પ્રકારની કમેન્ટ કરી નથી. આઈપીએલ ફ્રેન્ચાઈઝી તરફથી રોકાણકારોના આકર્ષાવાનું કારણ એ પણ છે કે આઈપીએલ એક એવી લીગ બની ગઈ છે જેનાથી સારી એવી કમાણી થાય છે.
સૂત્રએ એવો પણ દાવો કર્યો છે કે ટોરેન્ટથી ઉલ્ટું અદાણી ગ્રુપ પહેલા જ ક્રિકેટની દુનિયામાં પગલું ભરી ચૂક્યું છે. ગ્રુપે વુમન પ્રીમિયર લીગ (WPL) અને યુએઈની ઈન્ટરનેશનલ લીગ ટી20માં ટીમ ખરીદી છે. વર્ષ 2023માં અદાણી ગ્રુપે 1,289 કરોડ રૂપિયાની બોલી લગાવીને અમદાવાદની WPL ફ્રેન્ચાઈઝી પોતાના નામે કરી હતી. 193 અબજ રૂપિયાની સંપત્તિવાળી CVC મોટી કંપની છે અને ખેલોમાં પૈસા લગાવે છે. કંપની તરફથી લા લીગા, પ્રીમિયરશિપ રગ્બી, વોલીબોલ વર્લ્ડ અને વુમેન ટેનિસ એસોસિએશન જેવી ખેલ સંસ્થાઓમાં પૈસા લગાવવામાં આવ્યા છે.
અદાણી ગ્રુપે લગાવી હતી બોલી
2021માં બીસીસીઆઈએ આઈપીએલમાં બે નવા શહેરો પર આધારિત ટીમો સામેલ કરવા માટે હરાજી કરી હતી. અમદાવાદ સૌથી વધુ ચર્ચાવાળું શહેર હતું. તે વખતે અદાણી ગ્રુપે 5100 કરોડ અને ટોરેન્ટ ગ્રુપે 4653 કરોડની બોલી લગાવી હતી. સીવીસી કેપિટલની કંપની આયરલિયા સ્પોર્ટ્સ ઈન્ડિયા(Irelia Sports India)એ અમદાવાદની ફ્રેન્ચાઈઝી માટે બીજી કંપનીનઓને માત આપી હતી. ગુજરાત ટાઈટન્સે પહેલી સીઝનમાં જ આઈપીએલની ટ્રોફી જીતી હતી.
ગુજરાત ટાઈટન્સ નીતા અંબાણીની 'દુશ્મન' કેમ?
આઈપીએલમાં એન્ટ્રી બાદ ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. અત્રે જણાવવાનું કે આ અગાઉ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો હતો. પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સે પહેલી જ સીઝનમાં ચેમ્પિયનશીપ જીતી હતી. ત્યારબાદ નીતા અંબાણીના માલિકી હકવાળી મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી પાછો બોલાવી લીધો હતો અને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સોંપી હતી. હવે ગુજરાત ટાઈટન્સની ટીમને ખરીદવાની હોડમાં અદાણી પણ સામેલ છે.