આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા હાલમાં જ બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓના માલિકો વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન અચાનક માહોલ ગરમાઈ ગયો જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના નેસ વાડિયા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ. ચર્ચાનો મુદ્દો આઈપીએલ  મેગા ઓક્શન પહેલા ખેલાડીઓના રિટેન્શનની સંખ્યાનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ફ્રેન્ચાઈઝીઓ બેસ્ટ ટીમ તૈયાર કરવા માટે ખુબ મહેનત કરે છે. પરંતુ દર ત્રણ વર્ષ બાદ બીસીસીઆઈ મેગા ઓક્શન કરાવે છે જેના કારણે ફ્રેન્ચાઈઝીઓ 3-4 ખેલાડીઓ જ રિટેન કરી શકે છે અને પછી આખી ટીમ ફરીથી બનાવવા માટે મહેનત કરવી પડે છે. શાહરૂખ ખાને આ દરમિયાન મેગા ઓક્શનને જ ખતમ કરી દેવું જોઈએ તે પક્ષમાં જોવા મળ્યો. 


ક્રિકબઝના રિપોર્ટ મુજબ બેઠકમાં સામેલ બીસીસીઆઈ સૂત્રએ જણાવ્યું કે શાહરૂખ ખાન મેગા ઓક્શન વિરુદ્ધ જોરદાર રીતે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. એક સમયે એવું પણ બન્યું કે જ્યારે કેકેઆરના માલિકની પંજાબ કિંગ્સના સહ માલિક નેસ વાડિયા સાથે રિટેન્શનની સંખ્યા અંગે આકરી દલીલો પણ થઈ. શાહરૂખ ખાન મોટી સંખ્યામાં રિટેન્શનના પક્ષમાં હતા જ્યારે વાડિયા વધુ પડતા રિટેન્શનની વિરુદ્ધમાં હતા. 


મુંબઈમાં યોજાયેલી આ બેઠકમાં શાહરૂખ ખાનને મેગા ઓક્શનને જ રદ કરી નાખવી જોઈએ તે મુદ્દે સનરાઈઝર્સ હૈદરાબાદનો સાથ મળ્યો. કાવ્યા મારન બેઠકમાં શાહરૂખ ખાનને આ મુદ્દે સપોર્ટ કરતી જોવા મળી. જો કે બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. બોર્ડ ઓગસ્ટના અંત સુધીમાં માલિકોને પોતાનો નિર્ણય જણાવશે.  


કાવ્યા મારને કહ્યું કે ટીમને બનાવવામાં ખુબ સમય જાય છે અને જેમ કે ચર્ચા કરાઈ છે કે યુવા ખેલાડીઓને પરિપકવ થવામાં ઘણો સમય અને રોકાણ લાગે છે. અભિષેક શર્માને પોતાના પ્રદર્શનમાં નિરંતરતા લાવવામાં 3 વર્ષ લાગ્યા. તમે સહમત હશો કે અન્ય ટીમોમાં પણ આવા અનેક ઉદાહરણ છે. બેઠકમાં સામેલ થનારા અન્ય માલિકોમાં દિલ્હી કેપિટલ્સના કિરણ કુમાર ગ્રાંધી અને પાર્થ જિંદાલ, લખનઉ સુપર જાયન્ટ્સના સંજીવ ગોયંકા, ચેન્નાઈ સુપર કિંગ્સના રૂપા ગુરુનાથ, રાજસ્થાન રોયલ્સના મનોજ બડોલે અને રોયલ ચેલેન્જર્સના પ્રથમેશ મિશ્રા સામેલ હતા. કેટલાક માલિકો વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા હતા. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના અંબાણી પણ સામેલ હતા. 


બેઠક બાદ દિલ્હી કેપિટલન્સના માલિક જિંદાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ મેગા ઓક્શનના પક્ષમાં છે. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય છે કે પહેલીવાર મેગા ઓક્શનને ચાલુ રાખવા મુદ્દે ચર્ચા થઈ. હું વ્યક્તિગત રીતે તેના પક્ષમાં છું.