ICC ટી-20 રેન્કિંગમાં સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગેજની મોટી છલાંગ
સ્મૃતિ મંધાના વનડે રેન્કિંગમાં બંનર એક ખેલાડી છે. તો દીપ્તિ શર્મા ટી20 બોલરોના રેન્કિંગમાં 14માં સ્થાને પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે મહિલા આંતરરાષ્ટ્રીય ટી-20 બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય ખેલાડી જેમિમાહ રોડ્રિગેજ 737 રેટિંગની સાથે બીજા અને સ્મૃતિ મંધાના 693 રેટિંગની સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડમાં ત્રણ મેચોની ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શનને કારણે બંન્નેને 4-4 સ્થાનનો ફાયદો થયો છે. ટોપ-10 બેટ્સમેનોમાં હરમનપ્રીત કૌર પણ સામેલ છે. તે 687 રેટિંગની સાથે સાતમાં સ્થાને છે. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ 765 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.
હાલમાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી-20 સિરીઝ 3-0થી ગુમાવી હતી. સિરીઝમાં મંધાનાએ ભારત તરફથી સૌથી વધુ 180 રન બનાવ્યા હતા, જ્યારે રોડ્રિગેજે 132 રન બનાવ્યા હતા. મંધાનાએ સિરીઝના ત્રીજા મેચમાં 86 રન ફટકાર્યા હતા. આ સિરીઝમાં ક્લીન સ્વીપથી હાર્યા છતાં ભારતીય ટીમ 252 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડ બીજા અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે.
હરભજન સિંહે WC 2019 માટે પસંદ કરી ટીમ, જાણો કોને-કોને કર્યાં સામેલ
વનડેમાં ટોપ પર છે મંધાના
સ્મૃતિ મંધાના વનડે બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેની સાથે ભારતીય કેપ્ટન મિતાલી રાજ પણ ટોપ 10માં સામેલ છે. મિતાલી ન્યૂઝીલેન્ડની કેપ્ટન સૈદરવેટની સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને છે. બંન્નેના 669 રેટિંગ પોઈન્ટ છે.
અકસ્માતની અફવાથી પરેશાન સુરેશ રૈના, ટ્વીટર પર કરી અપીલ
બોલરોના રેન્કિંગમાં બે ભારતીયો
આંતરરાષ્ટ્રીય ટી-20 બોલરોના રેન્કિંગમાં બે ભારતીય મહિલાઓ છે. સ્પિનર રાધા યાદવ 18 સ્થાનની છલાંગ લગાવતા 10માં સ્થાને પહોંચી ગઈ છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં 4 વિકેટ ઝડપી હતી. પૂનમ યાદવ 707 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. આ સિવાય દીપ્તિ શર્માએ પાંચ સ્થાનનો ફાયદો લેતા કરિયરની સર્વશ્રેષ્ઠ 14મી રેન્કિંગ હાસિલ કરી છે.