જો રૂટે એક ઝટકામાં તોડી દીધો ગાવસ્કરનો સૌથી મોટો રેકોર્ડ, પાકિસ્તાન સામે ફટકારી શાનદાર સદી
Pakistan vs England: શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જો રૂટે પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારી છે. આ રૂટની 35મી ટેસ્ટ સદી છે અને તેણે એક સાથે ઘણા રેકોર્ડ તોડી દીધા છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ ફોર્મમાં ચાલી રહેલા જો રૂટે પાકિસ્તાન વિરુદ્ધ રેકોર્ડતોડ સદી ફટકારી સુનીલ ગાવસ્કર, બ્રાયનલારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. જો રૂટની આ ટેસ્ટ કરિયરમાં 35મી સદી છે. જો રૂટ આ સાથે સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં ગાવસ્કર, લારા સિવાય માહેલા જયવર્ધને અને યુનિસ ખાનથી આગળ નિકળી ગયો છે. ગાવસ્કર, લારા, જયવર્ધને અને યુનિસ ખાનના નામે 34 ટેસ્ટ સદી છે.
જો રૂટે પાકિસ્તાન વિરુદ્ધ બુધવારે મુલ્તાન ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. પાકિસ્તાને આ મેચની પ્રથમ ઈનિંગમાં 556 રન ફટકાર્યા છે. તો ઈંગ્લેન્ડે પણ વળતો જવાબ આપતા 3 વિકેટે 300થી વધુનો સ્કોર કરી લીધો છે. પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં જો રૂટ સૌથી આગળ રહ્યો હતો.
મેચની ચોથી સદી
જો રૂટે મુલ્તાન ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક બાદ પોતાની સદી પૂરી કરી હતી. આ મેચમાં ચોથી સદી છે. પાકિસ્તાનના ત્રણ બેટર શાન મસૂદ, અબ્દુલ્લા શફીક અને સલમાન આગાએ પણ પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી.
સચિનના નામે 51 સદી
જો રૂટે પોતાની 147મી ટેસ્ટ મેચમાં 35મી સદી ફટકારી છે. હવે રૂટ ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. જો રૂટથી વધુ સદી સચિન તેંડુલકર, જેક કાલિસ, રિકી પોન્ટિંગ, કુમાર સાંગાકારા અને રાહુલ દ્રવિડ ફટકારી શક્યા છે. સચિનના નામે સૌથી વધુ 51 ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ છે.
દ્રવિડને છોડી શકે છે પાછળ
જો રૂટના નિશાન પર હવે રાહુલ દ્રવિડની સદીનો રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયા માટે દ્રવિડે 36 ટેસ્ટ સદી ફટકારી છે. હવે દ્રવિડથી રૂટ માત્ર એક સદી પાછળ છે. તે એક સદી ફટકારવાની સાથે રાહુલ દ્રવિડની બરોબરી કરી લેશે.