બેંગલુરૂઃ જોન હોલેન્ડ (81/6)ની શાનદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયા-એ અહીં ચાલી રહેલા પહેલા બિન સત્તાવાર ટેસ્ટ મેચના ચોથી દિવસે ઈન્ડિયા-એને 98 રને પરાજય આપ્યો હતો. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા-એ તરફથી મળેલા 262 રનના લક્ષ્યનો પીછો કરી રહેલા ઈન્ડિયા-એની ટીમે મેચના ચોથા અને અંતિમ દિવસે બે વિકેટ પર 63 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને આખી ટીમ 59.3 ઓવરમાં 163 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાન ટીમ માટે મયંક અગ્રવાલે 189 બોલ પર નવ ફોર અને એક સિક્સની મદદથી સર્વાધિક 80 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 21 બોલમાં બે ફોર અને ત્રણ સિક્સની મદદથી 28 રનનું યોગદાન આપ્યું હતું. 


ઈન્ડિયા-એની ટીમ એક સમયે બે વિકેટ પર 106 રન બનાવીને સારી સ્થિતિમાં હતી. પરંતુ ટીમે ત્યારબાદ 57 રનમાં આઠ વિકેટ ખોઈને મેચ પણ ગુમાવી દીધી હતી. અંકિત બાવનેએ 25 રન બનાવ્યા હતા. ઈન્ડિયા-એના 8 બેટ્સમેનો બે અંકના સ્કોર સુધી પણ પહોંચવામાં નિષ્ફળ રહ્યાં હતા. 


ઓસ્ટ્રેલિયા-એ માટે હોલેન્ડ સિવાય બ્રેન્ડન ડોગેટે 26 રન પર બે અને ક્રિસ ટ્રિમેન તથા ટ્રેવિસ હેડે એક-એક વિકેટ ઝડપી હતી.