દુબઈઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા અહીં દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ-2021ની 49મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે કોલકત્તાના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તેની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે છે અને તે મેચમાં માત્ર જીત મેળવી કોલકત્તા પ્લેઓફમાં પહોંચી શકે છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો 12 મેચમાં આ 10મો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 115 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકત્તાએ 19.4 ઓવરમાં 119 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભમન ગીલે આ સીઝનમાં ફટકારી પ્રથમ અડધી સદી
હૈદરાબાદે આપેલા સાધારણ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સને 21 રનના સ્કોરે પ્રથમ ઝટકો લાગ્યો હતો. વેંકટેશ અય્યર 8 રન બનાવી જેસન હોલ્ડરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી 7 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. શુભમન ગિલે આજે સંયમથી બેટિંગ કરતા આઈપીએલ કરિયરની 8મી અને આ સીઝનની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. ગિલ 51 બોલમાં 10 ચોગ્ગા સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. 


નીતિશ રાણા 33 બોલમાં 3 ચોગ્ગા સાથે 25 રન બનાવી હોલ્ડરની ઓવરમાં સાહાના હાથે કેચઆઉટ થયો હતો. દિનેશ કાર્તિકે 12 બોલમાં 3 ચોગ્ગા સાથે અણનમ 18 અને મોર્ગન 2 રન બનાવી અણનમ રહ્યો હતો. હૈદરાબાદ તરફથી હોલ્ડરને બે તથા રાશિદ અને સિદ્ધાર્થ કૌલને એક-એક વિકેટ મળી હતી.


આ પણ વાંચો- RCB vs PBKS: રોમાંચક મેચમાં પંજાબને 6 વિકેટે હરાવી બેંગલોરને પ્લેઓફમાં પ્રવેશ  


હૈદરાબાદની ઈનિંગ, સાહા શૂન્ય પર આઉટ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરમાં રિદ્ધિમાન સાહા (0)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ સફળતા ટીમ સાઉદીને મળી હતી. ત્યારબાદ જેસન રોટ (10) ને શિવમ માવીએ સાઉદીના હાથે કેચઆઉટ કરાવી કોલકત્તાને બીજી સફળતા અપાવી હતી. હૈદરાબાદે પાવરપ્લેમાં 2 વિકેટે 35 રન બનાવ્યા હતા.


ટીમનો સ્કોર 38 રન હતો ત્યારે કેન વિલિયમસન 21 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્મા માત્ર 6 રન બનાવી શાકિબનો શિકાર બન્યો હતો. યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ 21 રન બનાવી ચક્રવર્તીની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. અબ્દુલ શમદે 18 બોલમાં 3 સિક્સ સાથે 25 રન ફટકાર્યા હતા. તેને સાઉદીએ આઉટ કર્યો હતો. જેસન હોલ્ડર માત્ર 2 રન બનાવી ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો. શિવમ માવીએ રાશિદ ખાન (8)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ભુવનેશ્વર કુમાર અને સિદ્ધાર્થ કુલ સાત-સાત રન બનાવી અણનમ રહ્યા હતા. 


કોલકત્તા તરફથી સાઉદી, શિવમ માવી, વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય શાકિબને એક સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube