1802માં ભારતમાં રમાઈ હતી ફૂટબોલ મેચ, જાણો વિશ્વની સૌથી પ્રસિદ્ધ રમતનો ભારતીય ઈતિહાસ
આંતરરાષ્ટ્રીય ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાએ આજે મોટો નિર્ણય કરતા ભારતીય ફૂટબોલ એસોસિએશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે આજે દિવસભર ભારતમાં ફૂટબોલનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. આજે અમે તમને ભારતના ફૂટબોલ ઈતિહાસ વિશે જણાવીશું.
નવી દિલ્હીઃ ભારતમાં ફૂટબોલની ફેન્સ ફોલોઈંગ ખુબ જ ઓછી છે. લોકો ક્રિકેટને ફોલો કરે અથવા પછી જો ફૂટબોલને ફોલો કરે તો લોકો યુરોપિયન ફૂટબોલને ફોલો કરે છે. પણ આપણામાંથી ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, યૂરોપમાં જેટલો જુનો ફૂટબોલનો ઈતિહાસ છે. તેટલો જ જુનો ઈતિહાસ ભારતમાં પણ ફૂટબોલનો છે. તો આજના આર્ટિકલમાં અમે તમને જણાવશું ભારતના ફૂટબોલિંગ ઈતિહાસ વિશે.
ભારતમાં ફૂટબોલનો ઈતિહાસ 19મી સદીથી શરૂ થાય છે. આ ત્યારની વાત છે, જ્યારે ફૂટબોલ એક ગેમ તરીકે નહોતી ડેવલપ થઈ. ફૂટબોલના કોઈ નિયમ નહોતા બન્યા, લોકો માત્ર પોતાના મનોરંજન માટે રમી રહ્યા હતા. આ રમત અંગ્રેજો પોતાની સાથે ભારતમાં લાવ્યા હતા. આ તે સમય છે, જ્યારે અંગ્રેજો ભારતમાં પોતાનો પગપસેરો કરી રહ્યા હતા. હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન ફૂટબોલ (History Of Indian Football) બૂકમાં નિર્મલ નાથે લખ્યું છે કે, ભારતમાં પ્રથમ ફૂટબોલ મેચ 1802માં મુંબઈમાં રમાઈ હતી. આ મેચ આઈલેન્ડ ઈલેવન અને મિલેટ્રી ઈલેવન વચ્ચે રમાઈ હતી.
1870ની દાયકો
1870થી ભારતીયોની ફૂટબોલની સફર શરૂ થઈ હતી. 1872માં ભારતમાં 2 ફૂટબોલ ક્લબ બન્યા હતા. એક ક્લબ સરાદા ફૂટબોલ ક્લબ (Sarada FC) અને બીજુ ક્લબ કલકત્તા ફૂટબોલ (Calcutta FC) હતું. 1878માં ડેલહાઉસી એથ્લેટીક ક્લબ શરૂ થયો હતો. જોકે, આ તમામમાં ભારતીયોનો કોઈ સહયોગ નહોતો. આ ત્રણેય ક્લબ અંગ્રજો દ્વારા સ્થાપવામાં આવ્યા હતા. નાગેન્દ્ર પ્રસાદ સરબાધિકારી જેમને ભારતીય ફૂટબોલના પિતા કહેવામાં આવે છે, તેમને ફૂટબોલની રમત એટલી ગમી કે તેમણે 9 વર્ષની ઉંમરે પોતાની સ્કૂલ હેર સ્કૂલ ઓફ કલકત્તાના ગ્રાઉન્ડમાં પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમાવનું શરૂ કરી દિધુ. અને સ્કૂલની બાજુમાં આવેલી પ્રેસિડેન્સી કોલેજેના એક પ્રોફેસરે તેમને ફૂટબોલના નિયમો સમજાવ્યા. જેના કારણે ભારતીય યુવાનોમાં પણ ફૂટબોલમાં રસ જાગ્યો હતો. જેના પગલે નવા નવા ફૂટબોલ ક્લબ બનવાના શરૂ થયા, અને આ ક્લબમાં ભારતીય યુવાનો રમી રહ્યા હતા.
1878માં અંગ્રેજોના શિયાળા સમયના પાટનગર શિમલામાં ડ્યુરેન્ડ કપ (Durand Cup), આ કપ એશિયા ખંડનો સૌથી જુનો અને વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી જુનો ફૂટબોલ કપ છે. જોકે, આ ટૂર્નામેન્ટ ભારતીયો માટે ન હતી, આમાં ભાગ લેવાનો અધિકાર માત્ર અંગ્રેજોના ક્લબને જ હતો.
આ પણ વાંચોઃ એક સમયે ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારતો હતો આ બેટર, હવે પેટ ભરવા માટે ચલાવે છે ઈ-રિક્ષા
સોવાબાઝાર ક્લબ (Sovabazar Club)
1887માં નાગેન્દ્ર પ્રસાદ સરબાધિકારીએ સોવાબાઝાર ફૂટબોલ ક્લબ બનાવ્યો હતો. અને આ ક્લબને ટ્રેડસ કપ ટૂર્નામેન્ટમાં રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને 1892માં ટ્રેડ્સ કપ જીતીને ભારતીય ફૂટબોલર્સે બતાવ્યું કે જો અમને મોકો મળે તો અમે પણ ફૂટબોલમાં કમાલ કરી શક્યે છે. આ જીત માત્ર એક ફૂટબોલ ક્લબની જીત નહોતી, પણ જીત હતી અંગ્રેજો પર ભારતીયોની.
આ જીત બાદ નાગેન્દ્ર પ્રસાદ સરબાધિકારીથી પ્રેરણા લઈને બંગાળમાં ઘણા બધા ફૂટબોલ ક્લબ શરૂ થવા લાગ્યા હતા. મોહન બગાન ક્લબ, જે ભારતનું સૌથી જુનું ક્લબ છે, તે 1889માં શરૂ થયું.
બંગાળથી દેશભરમાં ફૂટબોલનો પગપસેરો
નાગેન્દ્ર પ્રસાદ સરબાધિકારીએ બંગાળના અન્ય ફૂટબોલ ક્લબ સાથે મળીને ઓલ ઈન્ડિયા લેવલ ફૂટબોલ ટૂર્નામેન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. પણ આ સમયે ભારતમાં કોઈ ફૂટબોલ માટે અધિકારીક પાંખ નહોતી. 1893માં IFA એટલે કે ઈન્ડિયન ફૂટબોલ એસોસિએશન શરૂ થયું હતું. અને IFA શિલ્ડ કપની શરૂઆત થઈ હતી. ઘણા વર્ષો સુધી આ ટૂર્નામેન્ટમાં અંગ્રેજી ક્લબ જ જીતતા રહ્યા હતા. જોકે, આ તમામ વચ્ચે બંગાળની બહાર પણ ફૂટબોલ ફેમસ થઈ રહ્યું હતું. કેરેલામાં સાઉથ ઈન્ડિયાનું સૌથી પહેલું ફૂટબોલ ક્લબ શરૂ આર બી ફર્ગયુસન ક્લબ શરૂ થયું હતું. આ ક્લબ 1899માં શરૂ થયું હતું. તેવી જ રીતે ગોવામાં પણ 1905માં બોયઝ્ સોશિયલ ક્લબ શરૂ થયું હતું.
મોહન બગાનની ગોલ્ડન જીત
ભારતભરમાં ફૂટબોલ ક્લબ તો શરૂ થઈ રહ્યા હતા. પરંતુ, કોઈપણ ભારતીય ક્લબ IFA શિલ્ડ કપ જીતવામાં સફળ ન થયું હતું. 1911માં મોહન બગાનની ઈમોર્ટલ ઈલેવન(Immortal 11)એ IFA શિલ્ડ કપ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. 1911ની જીત બાદ ભારતમાં ફૂટબોલ સાઈડલાઈન થઈ રહ્યું હતું. કેમ કે ભારતમાં આઝાદીની ચળવળ તેજ થઈ રહી હતી.
પ્રથમ ઈન્ટરનેશમલ ટૂર
1924માં ભારતીય ફૂટબોલ ટીમ પ્રથમ વખત શ્રીલંકામાં ફૂટબોલ રમવા ગઈ હતી. પછી 1937માં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન બન્યું. શિમલાના આર્મી હેડક્વોર્ટરમાં 6 ઝોનના સેન્ય વડા મળ્યા અને AIFF બનાવવામાં આવ્યું હતું. 1938માં ભારતીય ફૂટબોલ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. પછી 1940માં મોહમદન સ્પોર્ટિંગ ક્લબ પ્રથમ ભારતીય ક્લબ બન્યો જેણે ડ્યુરેન્ડ કપમાં જીત મેળવી હોય.
આ પણ વાંચોઃ Asia Cup 2022: એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર, આ વ્યક્તિ બન્યો કેપ્ટન
આઝાદી બાદ ફૂટબોલની સોનેરી શરૂઆત
ભારતે 1947માં આઝાદી મેળવી અને ત્યારથી ભારતીય ફૂટબોલની સારી શરૂઆત થઈ હતી. ભારતીય ફૂટબોલનો ગોલ્ડન એરા 1951થી 1962 સુધી રહ્યો હતો. 1948ના લંડન ઓલિમ્પિક્સથી સોનેરી સમયની શરૂઆત થઈ હતી. જ્યારે, આઝાદ ભારતે પ્રથમ આંતરાષ્ટ્રીય ફૂટબોલ મેચ ફ્રાન્સ સામે રમી હતી. નાગાલેન્ડના તાલીમેરેન આઓ ટીમના કેપ્ટન હતા. ભલે ભારત ફ્રાન્સ સામે 2-1થી હાર્યું હોય, પણ ભારતીય ફૂટબોલ ટીમને બકિંઘમ પેલેસમાં રાત્રી ભોજન માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને તે જ વર્ષે AIFFને FIFAએ મંજૂરી આપી હતી. જે બાદ 1950ના FIFA વર્લ્ડ કપમાં ભારતને રમવાનો મોકો મળ્યો હતો. જોકે, ભારત આ મોકો ચુકી ગયું હતું. કારણ કે ભારતે બ્રાઝિલ ખાતેના વર્લ્ડ કપ રમવાના આમંત્રણને નકાર્યું હતું. આણંત્રણ નકારવા પાછળ ઘણા બધા અનુમાન લગાવવામાં આવે છે. 1951માં ભારતમાં પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન થયું અને સાયલન મન્નાની આગેવાનીમાં આ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી મેલબોર્ન ખાતેના 1956ના ઓલિમ્પિક્સમાં ભારતે ચોથા નંબરે રહ્યું હતું. અને આ પર્ફોમન્સ બાદ ભારતને એશિયાનું ફૂટબોલિંગ પાવરહાઉસ માનવામાં આવ્યું. અને પછી ફરી એક વખત 1962માં જકાર્તા ખાતેના એશિયન ગેમ્સમાં ભારતીય ફૂટબોલ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
1962 બાદ ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં કોઈ મેડલ નથી જીત્યો. અને FIFA વર્લ્ડ કપ માટે પણ ભારત આજદીન સુધી ક્વોલિફાઈ નથી થયું. જોકે, 2014માં ઈન્ડિયન સુપર લીગની શરૂઆત થઈ અને ભારતીય ફૂટબોલ પ્લેયર્સને એક નવું એક્સપોસર મળ્યું. જેના કારણે ભારતીય યુવાઓનું ધ્યાન ભારતીય ફૂચબોલ તરફ પણ આકર્ષવા લાગ્યું. હાલના સમયે ભારતીય ફૂટબોલ દિવસે અને દિવસે મજબૂત થઈ રહ્યું છે. સુનિલ ચેત્રી અને નવા યુવા ખેલાડીઓના કારણે ભારતીય ફૂટબોલને એક નવી દિશા મળી છે. ત્યારે, કોઈ પણ ટીમને મહાન બનાવે છે, તેના ફેન્સ એટલે ન માત્ર ક્રિકેટ ટીમને પણ જો ભારતીય ફૂટબોલ ટીમને પણ ફેન્સ સપોર્ટ કરે તો એ દિવસ દૂર નથી જ્યારે, ભારતની ટીમ પણ FIFA વર્લ્ડ કપમાં રમતી હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube