ચેન્નઈઃ  કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024નું ટાઈટલ કબજે કરી લીધું છે. કોલકત્તાએ ચેન્નઈના ચેપોકમાં રમાયેલી ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સે ત્રીજીવાર ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું છે. આ પહેલા કોલકત્તાની ટીમ વર્ષ 2012 અને 2014માં આઈપીએલ ચેમ્પિયન બની હતી. ચેન્નઈમાં આજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ માત્ર 113 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં કોલકત્તાએ 10.3 ઓવરમાં 114 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવરપ્લેમાં કોલકત્તાની આક્રમક બેટિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત આક્રમક રહી હતી. બીજી ઓવરમાં સુનીલ નારાયણ 6 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. પરંતુ ત્યારબાદ ગુરબાઝ અને વેંકટેશ અય્યરે ફટકાબાજી કરી હતી. કોલકત્તાએ પાવરપ્લેમાં 1 વિકેટે 92 રન ફટકારી દીધા હતા. 


નમવી ઓવરમાં સ્કોર 100ને પાર
કોલકત્તા નાઈટ રાઈડર્સે નવમી ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. ગુરબાઝ 32 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 39 રન બનાવી શાહબાઝની ઓવરમાં આઉટ થયો હતો. વેંકટેશ અય્યરે માત્ર 24 બોલમાં 4 ફોર અને 3 સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. શ્રેયસ અય્યર 6 અને વેંકટેશ અય્યર 52 રન બનાવી અણનમ રહ્યો હતો.


10 વર્ષ બાદ કોલકત્તા ચેમ્પિયન
કોલકત્તા નાઈટ રાઈડર્સ ત્રીજીવાર આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરની કેપ્ટન તરીકે પ્રથમ આઈપીએલ ટ્રોફી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ 2012માં અને 2014માં આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. આ સમયે ગૌતમ ગંભીર કોલકત્તા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો. 


મિચેલ સ્ટાર્કનો ઘાતક સ્પેલ
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે આઈપીએલ ફાઈનલમાં કમાલ કરતા પહેલી ઓવરમાં અભિષેક શર્મા (2) ને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. જ્યારે વૈભવ અરોરાએ ટ્રેવિસ હેડને શૂન્ય રને આઉટ કરી હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો હતો. સ્ટાર્કે પાંચમી ઓવરમાં રાહુલ ત્રિપાઠી (9) ને આઉટ કરી કેકેઆરને ત્રીજી સફળતા અપાવી હતી. 


કોલકત્તાની ઘાતક બોલિંગ
પાવરપ્લે બાદ પણ કોલકત્તાએ નિયમિત અંતરે વિકેટ લેવાનું જાળવી રાખ્યું હતું. નિતિશ રેડ્ડી 13 રન બનાવી હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો. એડન માર્કરમ 20 રન બનાવી રસેલની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. હેનરિક ક્લાસેને 16 રનનું યોહદાન આપ્યું હતું. શાહબાઝ અહમદ (8) અને અબ્દુલ સમદ (4) રન બનાવી આઉટ થયા હતા. 


કમિન્સે બનાવ્યા સૌથી વધુ રન, રસેલની ત્રણ વિકેટ
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન કેપ્ટન પેટ કમિન્સે બનાવ્યા હતા. કમિન્સે 19 બોલમાં 2 ફોર અને 1 સિક્સ સાથે 24 રન બનાવ્યા હતા. તે રસેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જયદેવ ઉનડકટ 4 રન બનાવી નારાયણની ઓવરમાં આઉટ થયો હતો. 


રસેલને મળી સૌથી વધુ વિકેટ
કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી આંદ્રે રસેલે 2.3 ઓવરમાં 19 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 14 રન આપી બે સફળતા મેળવી હતી. હર્ષિત રાણાએ પણ બે બેટરોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. જ્યારે વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વરૂણ ચક્રવર્તીને એક-એક સફળતા મળી હતી.