IPL 2022: આંદ્રે રસેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન, કોલકત્તાએ હૈદરાબાદને 52 રને હરાવ્યું
SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદે સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. કોલકત્તા સામે હાર બાદ હૈદરાબાદ માટે પ્લેઓફનો માર્ગ મુશ્કેલ બની ગયો છે.
પુણેઃ આંદ્રે રસેલ (49* રન, 3 વિકેટ) ના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા આઈપીએલ-2022ના 61માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 52 રને પરાજય આપ્યો છે. બીજીતરફ સનરાઇઝર્સ હૈદરાબાદે સતત પાંચમી હારનો સામનો કર્યો છે અને તેની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 123 રન બનાવી શક્યું હતું.
અભિષેક શર્મા અને માર્કરમ સિવાય હૈદરાબાદના તમામ બેટરો ફેલ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને 30 રનના સ્કોરે રસેલે પ્રથમ ઝટકો આપ્યો હતો. કેન વિલિયમસન 9 રને આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી માત્ર 9 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. અભિષેક શર્માએ ટીમ તરફથી સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. અભિષેકે 28 બોલમાં ચાર ફોર અને બે સિક્સ ફટકારી હતી. એડન માર્કરમે 25 બોલમાં 3 સિક્સ સાથે 32 રન બનાવ્યા હતા.
નિકોલસ પૂરન 2 રન બનાવી નારાયણનો શિકાર બન્યો હતો. ત્યારબાદરસેલે વોશિંગટન સુંદર (4) માર્કો યાન્સેન (1) ને એક ઓવરમાં પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. શશાંક સિંહે 11 રનનું યોગદાન આપ્યું હતું. કોલકત્તા તરફથી રસેલે 4 ઓવરમાં 22 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય સાઉદીને બે, નારાયણ, ચક્રવર્તી અને ઉમેશને એક-એક સફળતા મળી હતી.
બેટિંગમાં પણ રસેલ છવાયો
આંદ્રે રસેલે આજે ફરી કોલકત્તાને સંકટમાંથી બહાર કાઢ્યુ હતું. રસેલે 28 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ 49 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 7 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રહાણે 24 બોલમાં ત્રણ સિક્સ સાથે 28 રન બનાવી આઉટ થયો હતો. નીતિશ રાણાએ 26 રનનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન શ્રેયસ અય્યર 15 રન બનાવી ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. સેમ બિલિંગ્સે મહત્વનું યોગદાન આપતા 34 રન બનાવ્યા હતા. રસેલ અને બિલિંગ્સ વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. હૈદરાબાદ તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ લીધી હતી. આ સિવાય ભુવનેશ્વર, માર્કો યાન્સેન અને ટી નટરાજનને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube