La Liga: બાર્સિલોનાએ 26મી વખત જીત્યું ટાઇટલ, મેસીએ બનાવ્યો `10`નો રેકોર્ડ
એફસી બાર્સિલોનાએ સ્પેનિશ લીગમાં 35માંથી સૌથી વધુ 25 મેચ જીત્યા. તેણે માત્ર બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
બાર્સિલોનાઃ લિયોનેલ મેસી અને લુઈસ સુઆરેઝની ટીમ એફસી બાર્સિલોના (FC Barcelona)એ સ્પેનિશ લીગ (લા લીગા)નું ટાઇટલ જીતી લીધું છે. તેણે લા લીગાના 35માં રાઉન્ડમાં લેવાંતેને 1-0થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. બાર્સિલોના (Barcelona)એ 26મી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચમાં એકમાત્ર ગોલ આર્જેન્ટીનાના લિયોનેલ મેસીએ કર્યો હતો. આ સાથે તે 10 વખત સ્પેનિશ લીગ (Spanish League) જીતનાર બાર્સિલોનાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ તેના કરિયરનું કુલ 34મું ટાઇટલ છે.
એફસી બાર્સિલોનાને લેવાંતે (Levante) વિરુદ્ધ શનિવારે રાત્રે જીત માટે ખુબ મહેનત કરવી પડી હતી. પ્રથમ હાફમાં યજમાન ટીમ એકપણ ગોલ ન કરી શકી. ફિલિપ કોટિન્હો અને સ્ટ્રાઇકર લુઈસ સુઆરેજને ગોલ કરવાની તક મળી, પરંતુ તે અસફળ રહ્યાં. ત્યારબાદ બાર્સિલોનાના મુખ્ય કોચે બીજા હાફમાં મેસીને મેદાન પર ઉતાર્યો હતો.
62મી મિનિટમાં આવ્યો પ્રથમ ગોલ
લિયોનેલ મેસીએ મેચની 62મી મિનિટમાં દમદાર પ્રદર્શન કર્યું અને મહેમાન ટીમના ડિફેન્સને ભેદતા ગોલ કર્યો હતો. આ ગોલ બાદ સ્ટેડિયમમાં ચેમ્પિયન-ચેમ્પિયનના નારા લાગ્યા હતા. લેવાંતેને મેચની અંતિમ ઘડીએ વાપસી કરવાની તક ન મળી. બાર્સિલોનાનું સ્પેનિશ લીગમાં આ 26મું ટાઇટલ છે. તેનાથી વધુ ટાઇટલ માત્ર રિયલ મેડ્રિડ (33)એ જીત્યા છે. એટલેટિકો મેડ્રિડ 10 ટાઇટલની સાથે ત્રીજા સ્થાન પર છે.