ઝડપી 50 વિશ્વ કપ વિકેટઃ મલિંગાએ તોડ્યો મૈક્ગ્રા અને મુરલીધરનનો રેકોર્ડ
યોર્કરમેન લસિથ મલિંગાએ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વિશ્વકપ મુકાબલામાં ઈતિહાસ રચી દીધો છે. તે આ મહાકુંભમાં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે.
નવી દિલ્હીઃ યોર્કરમેન લસિથ મલિંગાએ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વિશ્વકપ મુકાબલામાં ઈતિહાસ રચી દીધો છે. તે આ મહાકુંભમાં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે ઈનિંગની 33મી ઓવરમાં જોસ બટલર (10)ને LBW આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. મેચમાં મલિંગાએ 10 ઓવરમાં એક મેડન કરતા 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
રેકોર્ડની વાત કરીએ તો આ પહેલા વિશ્વકપમાં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મૈકગ્રા અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે સંયુક્ત રૂપે નોંધાયેલો હતો. આ બંન્ને મહાન બોલરોએ પોતાની 30મી મેચમાં 50 વિકેટ ઝડપી હતી.
લસિથ મલિંગાએ 26 મુકાબલામાં આ સિદ્ધિ મેળવી છે. ત્રીજા નંબર પર પાકિસ્તાન સ્વિંગનો સુલ્તાન કહેવાતા વસીમ અકરમ છે. તેણે 34 મેચમાં આ આંકડો પાર કર્યો હતો.
વર્લ્ડ કપ 2019: શ્રીલંકા સામે હાર બાદ ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારો
ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં મલિંગાએ જેમ્સ વિન્સ (14), જોની બેયરસ્ટો (0), જો રૂટ (57) અને જોસ બટલર (10)ની વિકેટ પોતાના નામે કરી હતી. 43 રન આપીને 4 વિકેટ ઝડપવી તેનું વિશ્વકપનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. તેના પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 20 રને પરાજય આપ્યો હતો. તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.