પુણેઃ લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને પરાજય આપ્યો છે. આઈપીએલ 2022ના મુકાબલામાં ડિ કોકે લખનઉ માટે મહત્વની ઈનિંગ રમી હતી. તો બોલિંગમાં કૃણાલ પંડ્યા ચમક્યો હતો. તેણે એક મેડન ઓવરની સાથે-સાથે બે વિકેટ ઝડપી. પંજાબ માટે સૌથી વધુ 32 રન બેયરસ્ટોએ બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન મયંક અગ્રવાલે 25 રનનું યોગદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ માટે કેપ્ટન મયંક અને શિખર ધવન ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન ધવન 5 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મયંકે 17 બોલનો સામનો કરતા 25 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં બે ફોર અને બે સિક્સ સામેલ રહી. જોની બેયરસ્ટોએ 28 બોલનો સામનો કરતા 32 રન બનાવ્યા હતા. 


ભાનુકા રાજપક્ષે કંઈ ખાસ કરી શક્યો નહીં. તે 9 રન બનાવી આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન 2 સિક્સની મદદથી 18 રન બનાવી આઉટ થયો હતો. જિતેશ શર્માએ 2, રબાડાએ 2 અને રાહુલ ચાહર 4 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં રિષિ ધવન 21 રન બનાવી અણનમ રહ્યો હતો. આ રીતે પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 133 રન બનાવી શકી હતી. 


આ પણ વાંચોઃ બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પહોંચી સિદ્ધુ, મેડલ થયો પાકો


લખનઉ માટે કૃણાલ પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં 11 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સાથે મેડન ઓવર પણ ફેંકી હતી. રવિ બિશ્નોએએ 4 ઓવરમાં 41 રન આપી એક સફળતા મેળવી હતી. મોહસિન ખાને 4 ઓવરમાં 24 રન આપી 3 વિકેટ લીધી હતી. ચમીરાએ 4 ઓવરમાં 14 રન આપી બે વિકેટ લીધી હતી. 


લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. ડિ કોકે 37 બોલમાં 46 રન બનાવ્યા. તેની ઈનિંગમાં ચાર ફોર અને બે સિક્સ સામેલ રહી. દીપક હુડ્ડાએ 28 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ખેલાડી ખાસ કરી શક્યો નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube