IPL 2024: દિલ્હી કેપિટલ્સમાં સામેલ થયો ખૂંખાર બેટર, કહેવાય છે સિક્સર કિંગ, 29 બોલમાં ફટકારી હતી સદી
IPL 2024: આઈપીએલ શરૂ થતાં પહેલા ઘણા ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થી રહ્યાં છે. તેમાં હવે સાઉથ આફ્રિકાના લુંગી એન્ગિડીનું નામ સામેલ થઈ ગયું છે. ફ્રેન્ચાઇઝીએ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એન્ડિગી આઈપીએલ 2024માં રમશે નહીં. તે દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ ગતો. ઈજાને કારણે ફાસ્ટ બોલર બહાર થઈ ગયો છે. એન્ગિડી આઈપીએલની નવી સીઝન પહેલા બહાર થનાર દિલ્હી કેપિટલ્સનો બીજો ખેલાડી છે. આ પહેલા હેરી બ્રૂકે પોતાનું નામ પરત લઈ લીધુ હતું. બ્રૂક ફિટ છે પરંતુ અંગત કારણોસર તેણે લીગમાંથી હટવાનો નિર્ણય કર્યો છે.
જેક ફ્રેસર-મેકગર્ક બન્યો રિપ્લેસમેન્ટ
દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક યુવા બેટર જેક ફ્રેઝર-મેકગર્કને ટીમમાં સામેલ કર્યો છે. 21 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી માત્ર બે વનડે મેચ રમી છે. તેના નામે 51 રન છે પરંતુ આ રન 222ની સ્ટ્રાઇક રેટથી આવ્યા છે. લિસ્ટ એ ક્રિકેટમાં તેણે માત્ર 18 ઈનિંગમાં 525 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 144ની રહી છે. તેના નામે એક સદી અને એક અડધી સદી છે.
આ પણ વાંચોઃ શું વિરાટ કોહલીનો દાદા, વીરૂ અને દ્રવિડ જેવો થશે હાલ? કરિયર અકાળે થઈ જશે ખતમ!
29 બોલ પર ફટકારી હતી સદી
લિસ્ટ એ ક્રિકેટમાં જેક ફ્રેઝર-મેકગર્કે માત્ર 29 બોલમાં સદી ફટકારી હતી. તેણે માર્શ કપ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આઈપીએલની હરાજીમાં તે અનસોલ્ડ રહ્યો હતો. પરંતુ હવે આઈપીએલ રમતો જોવા મળશે. ટી20 ક્રિકેટની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 37 મેચ રમી છે. તેમાં 35 સિક્સની મદદથી 645 રન ફટકાર્યા છે.
બ્રૂકના રિપ્લેસમેન્ટની જાહેરાત બાકી
પહેલા સમાચાર આવ્યા હતા કે દિલ્હી કેપિટલ્સ જેક ફ્રેસર-મેકગર્કને હેરી બ્રૂકના સ્થાને સામેલ કરવામાં આવશે. પરંતુ એન્ગિડીના સ્થાને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે ફ્રેન્ચાઇઝી બ્રૂકનો વિકલ્પ શોધી રહી છે. જેક ફ્રેસર-મેકગર્ક દિલ્હી કેપિટલ્સમાં સામેલ થનારો ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.