Ranji Trophy: મધ્ય પ્રદેશે ઈતિહાસ રચ્યો, ફાઈનલમાં મુંબઈને હરાવી પહેલીવાર રણજી ટ્રોફી જીતી
મધ્ય પ્રદેશની ટીમે શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં એમપીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું. મધ્ય પ્રદેશે પહેલીવાર રણજી ટ્રોફી જીતી.
મધ્ય પ્રદેશની ટીમે શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં એમપીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું. મધ્ય પ્રદેશે પહેલીવાર રણજી ટ્રોફી જીતી. આ અગાઉ વર્ષ 1999માં ચંદ્રકાંત પંડિતની કેપ્ટનશીપમાં એમપીની ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. જ્યાં કર્ણાટકે તેને 96 રનથી હરાવી. ચંદ્રકાંત પંડિત હાલ એમપીના હેડ કોચ પણ છે.
મુંબઈએ આપ્યો હતો 108 રનનો ટાર્ગેટ
પાંચમા દિવસના શરૂઆતના સત્રમાં જ મુંબઈએ પોતાની બાકીની આઠ વિકેટ પણ ગુમાવી દીધી. જેના પગલે મુંબઈની બીજી ઈનિંગ 269 પર સમેટાઈ ગઈ. મુંબઈ માટે બીજી ઈનિંગમાં સુવેદ પારકરે સૌથી વધુ 51 રન કર્યા. જ્યારે સરફરાઝે 45 રન અને કેપ્ટન પૃથ્વી શોએ 44 રન કર્યા. એમપી તરફથી કુમાર કાર્તિકેયે સૌથી વધુ ચાર વિકેટ લીધી.
108 રનનો ટાર્ગેટ એમપીએ સરળતાથી મેળવી લીધો. એમપી માટે બીજી ઈનિંગમાં હિમાંશુ મંત્રીએ સૌથી વધુ 37 રનનું યોગદાન આપ્યું. જ્યારે શુભમ શર્મા અને રજત પાટીદારે 30-30 રનની ઈનિંગ રમી.
ટોસ જીતીને મુંબઈએ લીધી હતી બેટિંગ
ટોસ જીતીને મુંબઈએ પહેલા બેટિંગ કરતા પ્રથમ દાવમાં 374 રન કર્યા હતા. સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરીને 134 રન ખડક્યા. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે 78 અને પૃથ્વી શોએ 47 રનનું યોગદાન આપ્યું હતું. એમપી તરફથી ગૌરવ યાદવે ચાર અને અનુભવ અગ્રવાલે 3 વિકેટ લીધી હતી.
એમએ ખડો કર્યો વિશાળ સ્કોર
374 રનના જવાબમાં મધ્ય પ્રદેશનો પહેલો દાવ 536 રન પર સમાપ્ત થયો. ટીમના શાનદાર પ્રદર્શમાં રજત પાટીદાર, શુભમ શર્મા અને યશ દુબેનું ગજબનું યોગદાન રહ્યું. જેમણે સેન્ચ્યુરી ઠોકી. રજત પાટીદારે 122 રન, જેમાં 20 ચોગ્ગા સામેલ હતા. જયશ દુબેએ 133 અને શુભમ શર્માએ 116 રન કર્યા હતા. મુંબઈ માટે શમ્સ મુલાનીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી.
રણજી ટ્રોફીના છેલ્લા 5 વિજેતાઓ
2021-22 મધ્ય પ્રદેશ
2019-20 સૌરાષ્ટ્ર
2018-19 વિદર્ભ
2017-18 વિદર્ભ
2016-17 ગુજરાત
મુંબઈ 41 વાર થયું છે ચેમ્પિયન
મધ્ય પ્રદેશની ટીમ 87 વર્ષના રણજી ટ્રોફી ઈતિહાસમાં માત્ર બીજી ફાઈનલ રમી રહી હતી. જ્યારે મુંબઈ 41 વાર ચેમ્પિયન રહી અને રેકોર્ડ 47મી ફાઈનલ રમી રહ્યું હતું. સેમીફાઈનલમાં મધ્ય પ્રદેશે બંગાળને 174 રનથી હરાવ્યું હતું. જ્યારે મુંબઈ પહેલી ઈનિંગમાં મળેલી લીડના આધારે યુપી પર જીત મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube