ind A vs sa A: મનીષ પાંડેની અડધી સદી, આફ્રિકા-એને હરાવી ઈન્ડિયા-એએ સિરીઝ કરી કબજે
ઈન્ડિયા એ તરફથી દીપક ચહર અને ક્રુણાલ પંડ્યાએ 2-2 વિકેટ હાસિલ કરી હતી. શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી.
નવી દિલ્હીઃ ઈન્ડિયા એ ટીમે કેપ્ટન મનીષ પાંડેની શાનદાર 81 રનની ઈનિંગની મદદથી દક્ષિણ આફ્રિકા એને ત્રીજી બીન સત્તાવાર વનડે મેચમાં 4 વિકેટથી પરાજય આપીને સિરીઝમાં 3-0ની લીડ બનાવી લીધી છે. 30-30 ઓવરની આ મેચમાં દક્ષિણ આફ્રિકા એ ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતની સામે 8 વિકેટ પર 207 રન બનાવ્યા હતા. યજમાન ટીમે 27.5 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
સિરીઝના ત્રીજા મુકાબલામાં આફ્રિકા એના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શાનદાર બોલિંગની આગળ મહેમાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દીપક ચહરે પાંચમી ઓવરમાં રિઝા હેન્ડ્રિંક્સને માત્ર 9 રનના સ્કોર પર આઉટ કરીને વિરોધી ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો.
ત્યારબાદ 37 રન બનાવી બેટિંગ કરી રહેલા જાનેમૈન મલાનને ક્રુણાલ પંડ્યાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. હેનરિચ ક્લાસેને સૌથી વધુ 44 રન બનાવ્યા અને ટીમ માત્ર 207 રન બનાવી શકી હતી.
ઈન્ડિયા એ તરફથી દીપક ચહર અને ક્રુણાલ પંડ્યાએ 2-2 વિકેટ હાસિલ કરી હતી. શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી.
ઈન્ડિયા એની શરૂઆત ખરાબ રહી અને માત્ર 5 રનના સ્કોર પર ટીમને બે ઝટકા લાગ્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડ 1 અને રિકી ભુઈ શૂન્ય પર આઉટ થયા હતા. ઈશાન કિશને 40 રનનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન મનીષ પાંડેએ શિવમ દુબેની સાથે મળીને મહત્વની ભાગીદારી કરી અને ટીમને જીત સુધી પહોંચાડી હતી. મનીષે 59 બોલમાં 81 રન બનાવ્યા તો દુબે 45 રન બનાવી અણનમ રહ્યો હતો.
આ જીતની સાથે ભારતે પાંચ મેચોની આ સિરીઝમાં 3-0ની અજેય સરસાઇ બનાવી લીધી છે. ઈન્ડિયા એએ પ્રથમ મેચ 69 રનથી તો બીજી મેચ 2 વિકેટથી પોતાના નામે કરી હતી.