મુંબઈઃ સુનીલ છેત્રીના નેતૃત્વમાં ભારતીય ફુટબોલ ટીમ રવિવારે (10 જૂન) અહીં મુંબઈ ફુટબોલ એરેનામાં કેન્યા વિરુદ્ધ ચાર દેશોના ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનું ટાઇટલ જીતવા મેદાને ઉતરશે. ભારતે ટૂર્નામેન્ટમાં ત્રણમાંથી બે મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. પોતાના પ્રથમ મેચમાં મહેમાન ટીમ ચીની તાઇપેને 5-0થી પરાજય આપ્યો, જ્યારે બીજી મેચમાં કેન્યાને 3-0થી હરાવ્યું. ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 1-2થી પરાજય થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટૂર્નામેન્ટમાં કરિશ્માઇ કેપ્ટન સુનીલ છેત્રી પોતાની ટીમ માટે સંકટમોચન બનીને બહાર આવ્યો છે. તેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 6 ગોલ કર્યા છે. છેત્રીએ પ્રથમ મેચમાં હેટ્રિક ફટકારી, જ્યારે કેન્યા વિરુદ્ધ બે ગોલ કર્યા હતા, તેણે અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક ગોલ કર્યો હતો. છેત્રી સિવાય જેજે લાલપેખલુઆ અને ઉદાંતા સિંહનું પ્રદર્શન પણ આ ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યું છે. જેજે અને ઉદાંતાએ સતત વિપક્ષી ટીમના ડિફેન્ડર પર દબાવ બનાવ્યો જેથી છેત્રીને ગોલ કરવાના ઘણા ચાન્સ મળ્યા હતા. 


મિડફીલ્ડમાં પ્રણોય હલ્દર પર તમામની નજર રહશે, જ્યારે ડિફેન્સની જવાબદારી સંદેશ ઝિંગન, પ્રીતમ કોટાલ અને અનસ એડોથોડિકા પર હશે. ભારતીય ડિફેન્સે આ ટૂર્નામેન્ટમાં માત્ર એક ગોલ ખાધો છે અને કેન્યા વિરુદ્ધ તે પોતાના શાનદાર પ્રદર્શનને જારી રાખવા ઈચ્છશે. 


ગત મેચમાં કોચ સ્ટીફન કાંસ્ટેનટાઇનને ગોલકીપર અમરિંદર સિંહને ચાન્સ આપ્યો હતો, પરંતુ તે ગોલપોસ્ટમાં એટલો સહજ ન દેખાયો જેના કારણે ફાઇનલમાં ગુરપ્રીત સિંહ સંઘૂની રમવાની વધુ સંભાવના છે. 


ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આક્રમક રમત રમી છે અને સ્ટીફન કાંસ્ટેનટાઇન કહી ચૂક્યા છે કે તેમનું એકમાત્ર લક્ષ્ય ટાઇટલ જીતવાનું છે. 


સ્ટીફન કાંસ્ટેનટાઇને મેચ પહેલા સંવાદદાતા સંમેલનમાં કહ્યું, અમે જે પણ રાઉન્ડ રોબિનમાં કર્યું તે ભૂતકાળની વાત થઈ ગઈ છે. અમે ફાઇનલમાં કોઇને સરળતાથી લેવાના નથી. કેન્યાએ જણાવ્યું કે તે કઈ વાતમાં સક્ષમ છે. અમે તેનું સન્માન કરીએ છીએ પરંતુ એક સમયે અમારૂ લક્ષ્ય ટૂર્નામેન્ટ જીતવાનું છે. 


મુંબઈમાં યોજાનારી ફાઇનલમાં વરસાદની પણ સંભાવના છે, તેવામાં બંન્ને ટીમો વિપરીત પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર હશે. વરસાદની સંભાવનાઓ પર ભારતીય કોચે મજાકમાં કહ્યું, જે ખેલાડી તરી શકે છે તેને રમવાનો અવસર મળશે. 


બીજીતરફ કેન્યાના કોચ આ મેચમાં ગત હારનો બદલો લેવા ઉતરશે. કેન્યાના કોચ સેબાસ્ટિયન મિગ્નેએ કહ્યું, અમે ભારત વિરુદ્ધ માત્ર જીત ઈચ્છીએ છીએ. અમે કોઈ ખેલાડીને લઈને બદલાની ભાવના રાખતા નથી. અમે ફાઇનલમાં ભારતને હરાવવા ઈચ્છીએ છીએ.