પ્રો કબડ્ડી લીગમાં ગુજરાતનો સાતમો પરાજય, હરિયાણા સ્ટિલર્સે 41-25થી હરાવ્યું
છેલ્લી બે સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને સતત ફાઇનલ સુધી પહોંચેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનું પ્રદર્શન આ સિઝનમાં ખુબ નિરાશાજનક રહ્યું છે. આ ગુજરાતનો સાતમો પરાજય છે.
નવી દિલ્હીઃ પ્રો કબડ્ડી સિઝન-7મા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખરાબ પ્રદર્શનનો સિલસિલો ચાલું છે. આજે અહીંના ત્યાગરાજ સ્પોટર્સ કોમ્પલેક્સમાં રમાયેલી લીગ મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો હરિયાણા સ્ટિલર્સ સામે 24-41થી પરાજય થયો હતો. ગુજરાતની ટીમ સ્પર્ધામાં પાછી ફરવા સતત ઝઝૂમી રહી છે ત્યારે તેના માટે આ પરાજય તેની મુશ્કેલીમાં વધારો જ કરશે. ગુજરાતની ટીમે અત્યાર સુધી અંત સુધી લડત આપીને પરાજયનો સામનો કરતી હતી. જ્યારે આજે તો મેચની શરૂઆતથી જ ગુજરાતની ટીમ પાછળ રહી હતી.
પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સિઝન સુધી ફાઇનલ સુધીની સફર કરનાર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમનો આ સિઝનમાં સાતમો પરાજય છે. પાછલી મેચમાં ગુજરાતની ટીમે છ મેચોમાં પરાજય બાદ વાપસી કરતા વિજય મેળવ્યો હતો. ત્યારે આજે આશા હતી કે ગુજરાતની ટીમ ફરી પોતાના વિજય અભિયાન પર પરત ફરશે પરંતુ હરિયાણા સ્ટિલર્સ સામે ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
હરિયાણાએ ટોસ જીતીને કોર્ટની પસંદગી કરી હતી. બે પોઈન્ટથી પાછળ રહ્યાં બાદ ગુજરાતે સ્કોર 2-2થી બરોબર કરી લીધો હતો. જોકે હાફ ટાઈમ સુધીમાં ગુજરાતની ટીમ હરિયાણા સામે રમતના તમામ વિભાગમાં નબળી પુરવાર થઈ હતી અને તે 11-20થી પાછળ રહી હતી. બીજા હાફમાં પણ ગુજરાત હરિયાણા સામે મુકાબલો કરવામાં નબળું પડ્યું હતું. હરિયાણાની ટીમે ગુજરાતની ટીમને સરસાઈ માટેની કોઈ તક આપી નહતી.
શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર અજંતા મેન્ડિસે ક્રિકેટે કહ્યું અલવિદા
આ મેચ પહેલાં ગુજરાતે તેની 10માંથી છ મેચો ગુમાવી હતી. આ ગુજરાતનો સાતમો પરાજય છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 25 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. ગુજરાતનો હવે આગામી મુકાબલો શનિવારે બેંગલુરૂ બુલ્સ સામે છે.