શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર અજંતા મેન્ડિસે ક્રિકેટને કહ્યું અલવિદા

અજંતા મેન્ડિસ ઘણા સમયથી શ્રીલંકન ટીમથી બહાર હતો. તેણે શ્રીલંકા માટે 19 ટેસ્ટ, 87 વનડે અને 39 ટી20 મેચ રમી છે. 
 

શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર અજંતા મેન્ડિસે ક્રિકેટને કહ્યું અલવિદા

નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટ ટીમના મિસ્ટ્રી સ્પિનર 34 વર્ષા અજંતા મેન્ડિસે ક્રિકેટના દરેક ફોર્મેટને અલવિદા કહી દીધું છે. અજંતા મેન્ડિસ ઘણા સમયથી શ્રીલંકન ટીમથી બહાર હતો. તેણે શ્રીલંકા માટે 19 ટેસ્ટ, 87 વનડે અને 39 ટી20 મેચ રમી છે. 

અજંતા મેન્ડિસનું ક્રિકેટ કરિયર
અજંતા મેન્ડિસે શ્રીલંકા માટે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત વર્ષ 2008મા કોલંબોમાં ભારત વિરુદ્ધ કરી હતી જ્યારે અંતિમ ટેસ્ટ મેચ તેણે પોતાના દેશ માટે કોલંબોમાં જ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2014મા રમી હતી. ત્યારબાદ તેણે શ્રીલંકન ટીમ માટે કોઈ ટેસ્ટ મેચ રમી નથી. તો વનડે ક્રિકેટની વાત કરીએ તો તેણે પર્દાપણ 2008મા પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતું. અંતિમ વનડે મેચ 2015મા ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ટી20 ક્રિકેટની શરૂઆત મેન્ડિસે 2008મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ કરી હતી. તો અંતિમ ટી20 મેચ 2014મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. 

મેન્ડિસે શ્રીલંકા માટે રમેલી 19 ટેસ્ટ મેચોમાં 70 વિકેટ પોતાના નામે કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 209 રન આપીને 10 વિકેટ રહ્યું હતું. તો વનડેની વાત કરવામાં આવે તો તેણે 87 વનડે મેચોમાં 152 વિકેટ ઝડપી હતી. 13 રન આપીને 6 વિકેટ વનડેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ટી20 ક્રિકેટમાં મેન્ડિસે કુલ 39 આંતરરાષ્ટ્રીય મેચ રમી જેમાં તેણે 66 વિકેટ પોતાના નામે કરી હતી. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં તેનું બેસ્ટ પ્રદર્શન 8 રન આપીને 6 વિકેટ હતું. 

મેન્ડિસના નામે છે ટી20ની બેસ્ટ બોલિંગનો રેકોર્ડ
ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં એટલે કે ટી20 ક્રિકેટમાં સૌથી બેસ્ટ બોલિંગનો રેકોર્ડ અજન્તા મેન્ડિસના નામ છે. મેન્ડિસે 2012 આઈસીસી વર્લ્ડ ટી20મા 18 સપ્ટેમ્બરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 8 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. 

વનડેમાં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપી હતી મેન્ડિસે
અજંતા મેન્ડિસે વનડેમાં સૌથી વધુ ઝડપી 50 વિકેટ ઝડપનાર બોલર પણ છે. તેણે માત્ર 19 મેચોમાં 50 વિકેટ પૂરી કરી હતી. તેણે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અજીત અગરકરનો રેકોર્ડ તોડ્યો હતો. અગરકરે 23 મેચોમાં 50 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. મેન્ડિસે કુલ 87 વનડે મેચોમાં 152 વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news