ભુવનેશ્વરઃ વિશ્વ કપમાં શાનદાર શરૂઆત બાદ ભારતીય હોકી ટીમની સામે રવિવારે વિશ્વની ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમના રૂપમાં મુશ્કેલ પડકાર હશે, જેને હરાવવા પર ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા પાક્કી થઈ જશે. છેલ્લા 43 વર્ષમાં પ્રથમવાર વિશ્વકપમાં મેડલ જીતવાની પ્રબળ દાવેદાર ભારતીય ટીમે 16 દેશોના ટૂર્નામેન્ટમાં કમાલના અંદાજમાં શરૂઆત કરતા પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયો ઓલમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ બેલ્જિયમની ટીમે કેનેડાને 2-1થી હરાવ્યું પરંતુ તેનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. આઠ વખતની ઓલમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ અત્યાર સુધી માત્ર એકવાર 1975માં વિશ્વ કપ જીતી શકી છે. ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ આક્રમક હોકી રમી અને તે આ લયને જાળવી રાખવા ઈચ્છશે. આમ તો પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ ભારતીય હોકીની જૂની સમસ્યા છે. તેણે સતત સારૂ પ્રદર્શન કરી રહેલી બેલ્જિયમની ટીમને હરાવવા માટે દરેક વિભાગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. 


સાઉથ આફ્રિકા વિરુદ્ધ મનદીપ સિંહ, સિમરનજીત સિંહ, આકાશદીપ સિંહ અને લલિત ઉપાધ્યારે ફોરવર્ડ પંક્તિમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સિમરનજીતે બે ગોલ કર્યા જ્યારે બાકી ત્રણેયે 1-1 ગોલ કર્યો હતો. મનપ્રીત સિંહની આગેવાનીમાં મિડફીલ્ડ અને ડિફેન્સનું પ્રદર્શન પણ સારૂ રહ્યું પરંતુ ડિફેન્ડર હરમનપ્રીત સિંહ, બીરેન્દ્ર લાકડા, સુરેન્દર કુમાર અને ગોલકીપર પીઆર શ્રીજેશે આક્રમક બેલ્જિયમ વિરુદ્ધ દરેક ક્ષણે ચોંકીને રહેવું પડશે. 


વિશ્વની પાંચમાં નંબરની ટીમ ભારત બેલ્જિયમ વિરુદ્ધ પોતાનો રેકોર્ડ પણ સુધારવા ઈચ્છશે. છેલ્લા પાંચ વર્ષોમાં બંન્ને ટીમો વચ્ચે રમાયેલા 19 મુકાબલામાંથી 13 બેલ્જિયમે જીત્યા અને એક ડ્રો રહ્યો હતો. છેલ્લીવાર બંન્નેનો સામનો નેધરલેન્ડમાં ચેમ્પિયન ટ્રોફીમાં થયો હતો, જેમાં અંતિમ ક્ષણોમાં ગોલ ગુમાવવાને કારણે ભારતે 1-1થી મેચ ડ્રો રમી હતી. બંન્ને ટીમો માટે પેનલ્ટી કોર્નર સમસ્યા બનેલી છે. 


સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત પાંચમાંથી એક પેનલ્ટીને ગોલમાં ફેરવી શકી જ્યારે બેલ્જિયમે કેનેડા સામે બે પેનલ્ટી કોર્નર ગુમાવી દીધા હતા. ભારતના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહ પેનલ્ટી કોર્નર પર સીધો ગોલ ન કરી શકવાથી નિરાશ નથી. તેમણે કહ્યું, અમે શાનદાર ફીલ્ડ ગોલ અને પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો. ગોલ કરવા મહત્વના છે, કેમ થયા તેનાથી કોઈ ફેર પડતો નથી. 


બેલ્જિયમે છેલ્લા એક દાયકાથી વિશ્વ હોકીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને કોઈપણ મોટું ટાઇટલ જીત્યા વિના ટોપ ટીમોમાં સામેલ છે. બેલ્જિયમના કોચ શેન મૈક્લિયોડે કહ્યું, ભારત વિરુદ્ધ આ મેચ કોઈપણ રીતે જીતવો છે અને તમામ પોઈન્ટ લેવા છે. અમારી ગોલ એવરેજ એટલી નથી, જેટલી અમે ઈચ્છીએ છીએ. પૂલ સીના અન્ય મેચમાં કેનેડાનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.