T20 World Cup 2024: ન પિચ કામ આવી, ન ચાલ્યો જાદૂ, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના કરિયર પર લટકી તલવાર
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાએ પોતાની શરૂઆતી ત્રણ મેચ રમી હતી. આ મેદાનની પિચ બોલરો માટે વરદાન સાબિત થઈ હતી. પરંતુ ટીમના એક શાનદાર બોલરનું પ્રદર્શન સાધારણ રહ્યું છે.
ન્યૂયોર્કઃ T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ ન્યૂયોર્કમાં ટી20 વિશ્વકપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. પિચ બેટરો માટે તો ખરાબ સાબિત થઈ પરંતુ બોલરો માટે વરદાન. ઘણી ટીમોના બોલરોએ આ પિચનો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર આ પિચનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે. અસીમિત ઉછાળવાળી પિચ પર સિરાજની બોલિંગ વધુ ઘાતક સાબિત થઈ શકતી હતી. પરંતુ ન્યૂયોર્કમાં રમાયેલી ત્રણ મેચમાં સિરાજનો જાદૂ જોવા મળ્યો નહીં. હવે ટી20 વિશ્વકપ સમાપ્ત થયાં પહેલા તેના ટી20 કરિયર પર તલવાર લટકી ચૂકી છે.
3 મેચમાં કેવું રહ્યું પ્રદર્શન?
ટીમ ઈન્ડિયાએ ન્યૂયોર્કમાં જીતની હેટ્રિક લગાવી. સતત ત્રણ મેચ જીતીને ટીમે સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. રોહિત એન્ડ કંપનીએ આયર્લેન્ડ, પાકિસ્તાન અને યુએસએને હરાવ્યું છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. ફાસ્ટ બોલરને પિચનો ફાયદો થયો હતો. પરંતુ મોહમ્મદ સિરાજ કોઈ ફાયદો ઉઠાવી શક્યો નહીં. સિરાજને ત્રણ મેચમાં માત્ર એક વિકેટ મળી છે, જે તેણે આયર્લેન્ડ વિરુદ્ધ ઝડપી હતી.
આ પણ વાંચોઃ ભારતના આ ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, ફેંકી હતી IPLના ઈતિહાસની પ્રથમ સુપર ઓવર
અર્શદીપ અને બુમરાહની ઘાતક બોલિંગ
ન્યૂયોર્કની પિચ પર ટીમ ઈન્ડિયાના યુવા બોલર અર્શદીપ સિંહ અને દિગ્ગજ જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરી હતી. બુમરાહે 3 મેચમાં 5 વિકેટ પોતાનાનામે કરી, જેમાં તેનો બેસ્ટ 14 રન આપી ત્રણ વિકેટ રહ્યો છે. તો અર્શદીપ સિંહે 3 મેચમાં કુલ સાત વિકેટ લીધી છે. અમેરિકા સામે તો અર્શદીપે 9 રન આપી ચાર વિકેટ લીધી હતી. તે ટી20 વિશ્વકપમાં ભારત તરફથી બેસ્ટ પ્રદર્શન કરનાર બોલર રહ્યો છે.
શમીની વાપસી થઈ તો...
એક સમય હતો જ્યારે સિરાજે ઘાતક બોલિંગની મદદથી ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી. પરંતુ આઈપીએલ 2024માં પણ સિરાજનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. ભારતીય દિગ્ગજ મોહમ્મદ શમી ઈજાને કારણે બહાર છે, જો ટી20 વિશ્વકપ બાદ તેની વાપસી થાય તો સિરાજની જગ્યા પર ખતરો ઉભો થઈ શકે છે. બીજીતરફ અર્શદીપે શાનદાર પ્રદર્શન કરી ટી20 ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.