IPL 2019: સતત ચોથી જીત છતાં ચેન્નઈની પિચથી ખુશ નથી ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમ ગ્રાઉન્ડની પિચને લઈને ખુશ નથી. તેમનું કહેવું છે કે, આ પિચ પર મોટો સ્કોર કરવો ખુબ મુશ્કેલ છે.
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર તમામ મેચ જીતી છે છતાં તેની ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અહીંથી પિચથી ખુશ નથી. મંગળવારે સીએસકેએ કોલકત્તા નાઇટ રાઇડર્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે તે ટીમ કુલ છ મેચોમાં પાંચ મેચ જીતી ચુકી છે અને પોતાના હોમ ગ્રાઉન્ડમાં સતત ચોથો વિજય છે. કોલકત્તાએ 9 વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા અને ચેન્નઈ સુપર કિંગ્સે 17.2 ઓવરમાં જ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ધોનીએ કહ્યું, 'મને નથી લાગતું કે આ પિચ પર અમારે વધુ રમવું જોઈએ.' આ પિચ પર મોટો સ્કોર બનાવવો સંભવ હોતો નથી. બ્રાવો ઈજાગ્રસ્ત થયા બાદ અમારે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ પિચને લઈને નિરાશા છતાં અમે જીત હાસિલ કરી છે. આ સાથે ધોનીએ અનુભવી સ્પિનર હરભજન સિંહ અને ઇમરાન તાહિરની પ્રશંસા કરી હતી.
તેણે કહ્યું, ભજ્જી જે મેચમાં રમ્યો તેમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. મેં તાહિરને અજમાવ્યો અને તેણે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. તેને મારા પર વિશ્વાસ છે. તે વધુ ફ્લિપર કરે છે. તે (તાહિર) એવો બોલર છે જો તમે તેને કહો કે, આ ઝડપથી બોલ ફેંકવો છે તે તે વારંવાર તેમ કરશે.