મુંબઈઃ  મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ-2024ની શરૂઆત ખરાબ રહી છે. મુંબઈએ આજે પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલ-2024માં મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એવી ટીમ છે જેનું પોઈન્ટ ટેબલમાં હજુ ખાતું ખુલ્યું નથી. મુંબઈએ સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. વાનખેડેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 125 રન બનાવી શકી હતી. જેના જવાબમાં રાજસ્થાને 15.3 ઓવરમાં 127 રન બનાવી મેચ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના પ્રથમ ત્રણ બેટર સસ્તામાં આઉટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને પણ પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. યશસ્વી જયસ્વાલ માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. જોસ બટલર પણ 16 બોલમાં 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે કેપ્ટન સંજૂ સેમસને 12 રન બનાવ્યા હતા. રાજસ્થાને પાવરપ્લેમાં 3 વિકેટે 46 રન બનાવ્યા હતા. 


રિયાન પરાગની અડધી સદી
રિયાન પરાગ આઈપીએલ-2024માં શાનદાર ફોર્મમાં છે. પરાગે સતત બીજી મેચમાં અણનમ અડધી સદી ફટકારી હતી. રિયાન પરાગ 39 બોલમાં 5 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 54 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે શુભમ દુબે 8 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આર અશ્વિન 16 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ તરફથી આકાશ મેઢવાલે 4 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. 


ટ્રેન્ટ બોલ્ટ ત્રાટક્યો, મુંબઈની ખરાબ શરૂઆત
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર રોહિત શર્માન શૂન્ય રને આઉટ કર્યો હતો. ત્યારબાદ બોલ્ટે નમન ધીરને પણ શૂન્ય રને LBW કરી મુંબઈને બીજો ઝટકો આપ્યો હતો. મુંબઈની ટીમ હજુ આ ઝટકામાંથી બહાર આવે ત્યાં તો ડિવોલ્ડ બ્રેવિસને બોલ્ટે કેચઆઉટ કરાવી મુંબઈના ત્રીજા બેટરને પેવેલિયન પરત મોકલી આવ્યો હતો. ઈશાન કિશન પણ 16 રન બનાવી નાંદ્રે બર્ગરની ઓવરમાં આઉટ થયો હતો. મુંબઈએ 20 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. 


હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ સંભાળી ઈનિંગ
20 રનમાં 4 વિકેટ બાદ મુંબઈની ટીમ ભારે દબાવમાં હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ પાંચમી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. પરંતુ હાર્દિક પંડ્યા 21 બોલમાં 6 ચોગ્ગા સાથે 34 રન બનાવી આઉટ થયો હતો. તિલક વર્મા પણ 32 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. પીયુષ ચાવલાએ 3 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 17, કોએત્ઝી 4 રન બનાવી આઉટ થયો હતો.


ચહલ અને બોલ્ટની ત્રણ-ત્રણ વિકેટ
મુંબઈના વાનખેડેમાં રાજસ્થાન રોયલ્સના બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. પાવરપ્લેમાં ટ્રેન્ટ બોલ્ટ તો મિડલ ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે વિકેટો ઝડપી હતી. બોલ્ટે 4 ઓવરમાં 22 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. તો ચહલે 4 ઓવરમાં માત્ર 11 રન આપી ત્રણ બેટરોને આઉટ કર્યા હતા. નાંદ્રે બર્ગરને બે અને આવેશ ખાનને એક સફળતા મળી હતી.