દુબઈઃ જસપ્રીત બુમરાહ (17/3) અને ટ્રેન્ટ બોલ્ટ (21/3)ની દમદાર બોલિંગ બાદ ઈશાન કિશન (72*)ની શાનદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 51મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 9 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં નવમી જીત મેળવી છે. આ જીત સાથે મુંબઈના 18 પોઈન્ટ થઈ ગયા છે. તે હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેશે. આ હાર બાદ દિલ્હીની ટીમ માટે પ્લેઓફની રેસ મુશ્કેલ બની ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 110 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમે 14.2 ઓવરમાં 1 વિકેટે 111 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ હાર બાદ દિલ્હીની નેટ રનરેટ પંજાબ કરતા પાછળ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશાન કિશનની અડધી સદી
દિલ્હીએ આપેલા 111 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ઓપનર ડિ કોક અને ઇશાન કિશને મજબૂત શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 38 રન જોડ્યા હતા. મુંબઈની ટીમને પ્રથમ ઝટકો 11મી ઓવરમાં ડિ કોક (26)ના રૂપમાં લાગ્યો હતો. તો ઇશાન કિશને 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઈશાન કિશને 47 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 73 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 12 રન બનાવી નોટઆઉટ કર્યો હતો. 


પાવરપ્લેમાં બોલ્ટનો તરખાટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ત્રણ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. શિખર ધવન ખાતુ ખોલાવ્યા વગર પ્રથમ ઓવરમાં બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં બોલ્ટે પૃથ્વી શો (10)ને આઉટ કરીને મુંબઈને બીજી સફળતા અપાવી હતી. પાવરપ્લેમાં દિલ્હીની ટીમ માત્ર 22 રન બનાવી શકી હતી. 


દિલ્હીનો સ્કોર 50 રન પર પહોંચ્યો ત્યારે કેપ્ટન શ્રેયસ અય્યર (25)ને રાહુલ ચાહરે સ્ટમ્પ આઉટ કરાવી દિલ્હીને મોટો ઝટકો આપ્યો હતો. દિલ્હી હજુ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા સ્ટોયનિસ (2)ને બુમરાહે આઉટ કર્યો હતો. રિષભ પંત પણ 24 બોલમાં 2 ચોગ્ગા સાથે 21 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. 62 રનના સ્કોર પર દિલ્હીની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. 


શિમરોન હેટમાયર (11)ને કુલ્ટર નાઇલે આઉટ કરી મુંબઈને છઠ્ઠી સફળતા અપાવી હતી. હર્ષલ પટેલ (5)ને બુમરાહે LBW આઉટ કર્યો હતો. રવિ અશ્વિન 12 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો. કગિસો રબાડા 12 રન બનાવી રનઆઉટ થયો હતો. 


મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 17 રન આપીને ત્રણ, બોલ્ટે 4 ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલ્ટર નાઇલ અને રાહુલ ચાહરને એક-એક સફળતા મળી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર