દિલ્હીને હરાવી મુંબઈ ત્રીજી વખત બન્યું વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન
ફાઇનલમાં 71 રન ફટકારનાર મુંબઈનો વિકેટકીપર આદિત્ય તારે મેન ઓફ ધ મેચ બન્યો હતો.
બેંગ્લુરૂઃ ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં પોતાનો દબદબો બનાવી રાખનાર મુંબઈએ શાનદાર બોલિંગ અને આદિત્ય તારે તથા સિદ્વેષ લાડની શાનદાર ઈનિંગની મદદથી શનિવારે પોતાના પંરપરાગત વિરોધી દિલ્હીને ચાર વિકેટે હરાવીને ત્રીજીવાર વિજય હજારે ટ્રોફી કબજે કરી છે. સ્થાનિક ક્રિકેટમાં બે મુખ્ય ટીમો વચ્ચે રમાયેલા મેચમાં તારે (89 બોલમાં 71 રન) અને લાડ (68 બોલમાં 48 રન)ની ઈનિંગ પહેલા મેચ બરોબરી પર લાગતો હતો. મુંબઈના 178 રનના લક્ષ્યનો પીછો કરતા ચાર વિકેટ પર 40 રન ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ આ બંન્ને બેટ્સમેનોએ 105 રનની ભાગીદારી કરી હતી.
મુંબઈએ 35 ઓવરમાં 6 વિકેટ પર 180 રન બનાવીને 2006/2007 બાદ પ્રથમવાર વિજય હજારે ટ્રોફી જીતી છે. દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરતા 45.4 ઓવરમાં 177 રન પર આઉટ થઈ ગઈ હતી. તેના તરફથી હિંમત સિંહે સર્વાધિક 41 રન બનાવ્યા હતા. મુંબઈના મધ્યમ ગતિના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ (30 રનમાં બે વિકેટ), અનુભવી ધવલ કુલકર્ણી (30 રનમાં બે વિકેટ) અને શિવમ દુબે (29 રનમાં 3) વિકેટ ઝડપી હતી. રણજી ટ્રોફી 41 વખત જીતનાર મુંબઈએ ત્રીજીવાર વિજય હજારે ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. આ પહેલા તેણે 2003/04 અને 2006/07માં આ ટાઇટલ જીત્યું હતું.
દિલ્હી 2012/2013માં ચેમ્પિયન બન્યું હતું પરંતુ તેણે આ વખતે ઉપ વિજેતા રહીને સંતોષ કરવો પડ્યો છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલમાં બંન્ને ટીમોની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બેટિંગનું આમંત્રણ મેળવનાર દિલ્હીએ કેપ્ટન ગંભીર સહિત ત્રણ વિકેટ 21 રન પર ગુમાવી દીધી હતી જ્યારે મુંબઈએ 25 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
તેમાં યુવા પૃથ્વી શો અને રહાણે સામેલ હતા. નવદીપ સૈની (53 રન આપીને ત્રણ વિકેટ)એ મુંબઈના ટોપ ઓર્ડરને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ત્યારબાદ મુંબઈનો કેપ્ટન અય્યર પણ સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ તારે અને લાડે ટીમને જીત તરફ આગળ વધાર્યા હતા. પોતાની ઈનિંગમાં લાડે 13 બાઉન્ટ્રી ફટકારી હતી. લાડ અંતિમ સમયે આઉટ થયો હતો. દુબે 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. ફાઇનલમાં 71 રન ફટકારનાર આદિત્ય તારેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.