નવી દિલ્હીઃ આઈપીએલની 17મી સીઝન પહેલા હાર્દિક પંડ્યાના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યાનું ડિમોશન થઈ ગયું છે. લખનઉ સુપરજાયન્ટ્સે આઈપીએલ 2024ની આગામી સીઝન માટે પોતાની કેપ્ટન અને વાઇસ કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન તરીકે તો કેએલ રાહુલનું નામ યથાવત છે પરંતુ ક્રુણાલ પંડ્યા પાસે વાઇસ કેપ્ટનની જવાબદારી છીનવી લેવામાં આવી છે. હવે વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિકોલસ પૂરન બન્યો વાઇસ કેપ્ટન
અનુભવી વિકેટકીપર નિકોલસ પૂરન વિસ્ફોટક બેટર છે. તે ટી20 ફોર્મેટમાં ખતરનાક ખેલાડી છે. તેને આઈપીએલમાં રમવાનો લાંબો અનુભવ છે. પૂરન પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે 2023ના ઓક્શનમાં પૂરનને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં પૂરન સૌથી મોંઘો વિકેટકીપર છે. આ સાથે પૂરન લખનઉ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગની જવાબદારી સંભાળી રહ્યો છે.


આ પણ વાંચોઃ બે સારા ખેલાડીઓને ઝટકો આપી રજા ભોગવતા પંડ્યા પર કેમ મહેરબાન થયું BCCI?


વેસ્ટ ઈન્ડિઝની કમાન સંભાળી ચૂક્યો છે પૂરન
નિકોલસ પૂરન ટી20માં વેસ્ટ ઈન્ડિઝ ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. તે આઈપીએલમાં પ્રથમવાર વાઇસ કેપ્ટન બન્યો છે. નોંધનીય છે કે કેએલ રાહુલ પાછલી સીઝનમાં ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. ત્યારબાદ ટીમની કમાન ક્રુણાલ પંડ્યાએ સંભાળી હતી. લખનઉની ટીમ આઈપીએલ 2023માં પ્લેઓફમાં બહાર થઈ ગઈ હતી. ક્રુણાલ પંડ્યાએ કુલ છ મેચમાં ટીમની કમાન સંભાળી હતી.


લખનઉ 24 માર્ચે રમશે પ્રથમ મેચ
લખનઉ સુપરજાયન્ટ્સને આશા છે કે કેએલ રાહુલ આઈપીએલ શરૂ થતાં પહેલા સંપૂર્ણ ફીટ થઈ જશે. રાહુલ આ સમયે ઈજાગ્રસ્ત છે અને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાંથી બહાર છે. કેએલ રાહુલ ડોક્ટરોની સલાહ માટે લંડનમાં છે. નોંધનીય છે કે લખનઉ આઈપીએલમાં પોતાના અભિયાનની શરૂઆત 24 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમીને કરશે.