નવી દિલ્હીઃ  South Africa Vs Sri Lanka: દક્ષિણ આફ્રિકાએ વનડે વિશ્વકપ-2023માં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ મુકાબલામાં આફ્રિકાએ શ્રીલંકાને 102 રને પરાજય આપ્યો છે. મેચમાં આફ્રિકા તરફથી ત્રણ બેટરોએ સદી ફટકારી હતી, જેમાં એડન માર્કરમે રેકોર્ડ બનાવતા 49 બોલમાં વનડે વિશ્વકપની સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ સિવાય ડી કોક અને રાસી વેન ડર ડુસેને પણ સદી ફટકારી હતી. આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 428/5 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 326 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ શરૂઆત બાદ મેન્ડિસની અડધી સદી
વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે બીજી ઓવરમાં વિકેટ ગુમાવી હતી.ઓપનર પાથુમ નિસંકા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. પછી ટીમ આગળ વધી રહી હતી તો 8મી ઓવરના છેલ્લા બોલ પર બીજી વિકેટ પડી હતી. કુસલ પરેરા 7 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન ત્રીજા ક્રમે આવેલા કુસલ મેન્ડિસે આક્રમક બેટિંગ કરી ટીમની આશા જગાવી હતી. 


પરંતુ 12મી ઓવરના ચોથા બોલ પર મેન્ડિસ પણ આઉટ થઈ ગયો હતો. મેન્ડિસે 42 બોલમાં 76 રન ઈનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે લંકાએ 109 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 14મી ઓવરમાં શ્રીલંકાને વધુ એક ઝટકો લાગ્યો અને સમરવિક્રમા 23 રન બનાવી આઉટ થયો હતો. 


આ પણ વાંચોઃ ઐતિહાસિક પ્રદર્શન સાથે એશિયાડમાં ભારતનું અભિયાન પૂર્ણ, 28 ગોલ્ડ સાથે જીત્યા 107 મેડલ


અસલંકા અને દાસુનની ઈનિંગ પાણીમાં
નંબર પાંચ પર બેટિંગ માટે ઉતરેલા ચરિથ અસલંકાએ આક્રમક બેટિંગ કરી હતી. અસલંકાએ 65 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 79 રન ફટકાર્યા હતા. અસલંકા એનગિડીનો શિકાર બન્યો હતો. કેપ્ટન દાસુન શનાકા 68 રન બનાવી આઉટ થયો હતો. ધનંજય ડી સિલ્વાએ 11 રન બનાવ્યા હતા. 


આવી રહી આફ્રિકાની બોલિંગ
ટીમ માટે હેરાલ્ડ કોએટ્ઝીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તો માર્કો જેન્સને 10 ઓવરમાં 92 રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય રબાડા અને કેશવ મહારાજને પણ બે-બે તથા એનગિડીને એક વિકેટ મળી હતી.  


આફ્રિકાના ત્રણ બેટરોની સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાને 10 રનના સ્કોર પર કેપ્ટન બવુમાના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ડિ કોક અને રાસી વાન ડર ડુસેને બીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક 84 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 100 રન બનાવી આઉટ થયો હતો. રાસી વાન ડર ડુસેને 110 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સ સાથે 108 રન ફટકાર્યા હતા. જ્યારે એડેન માર્કરમ 54 બોલમાં 106 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વકપમાં પ્રથમવાર બન્યું કે જ્યારે એક ઈનિંગમાં ત્રણ સદી લાગી હોય. 


આ પણ વાંચોઃ અશ્વિન અને શાર્દુલમાં ટક્કર, ફિટ થઈ જશે ગિલ? ઓસ્ટ્રેલિયા સામે ભારતની સંભવિત પ્લેઇંગ


એડન માર્કરમે વિશ્વકપની સૌથી ફાસ્ટ સદી ફટકારી
આફ્રિકા તરફથી એડન માર્કરમે માત્ર 49 બોલમાં સદી પૂરી કરી હતી. આ વિશ્વકપમાં એક રેકોર્ડ છે. માર્કરમે કેવિન ઓ બ્રાયનનો રેકોર્ડ તોડ્યો હતો. 2011ના વિશ્વકપમાં કેવિન ઓ બ્રાયને ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં સદી ફટકારી હતી. તો મેક્સવેલે 2015ના વિશ્વકપમાં શ્રીલંકા સામે 51 બોલમાં સદી ફટકારી હતી. એબી ડિવિલિયર્સે 2015ના વિશ્વકપમાં 52 બોલમાં સદી પૂરી કરી હતી. 


આફ્રિકાએ બનાવ્યો વિશ્વકપનો સર્વોચ્ચ સ્કોર
સાઉથ આફ્રિકા 50 ઓવરમાં 428 રન ફટકાર્યા છે. આ અત્યાર સુધી રમાયેલી વિશ્વકપની મેચમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 2015ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે 417 રન ફટકાર્યા હતા. આફ્રિકાએ આજે તે રેકોર્ડ તોડી દીધો છે. આફ્રિકાએ ત્રીજીવાર વિશ્વકપમાં 400થી વધુ રન બનાવ્યા છે. આઈસીસી વિશ્વકપમાં કુલ પાંચ વખત 400થી વધુ રન બન્યા છે. જેમાં ત્રણવાર આફ્રિકા, એકવાર ઓસ્ટ્રેલિયા અને એકવાર ભારતે સ્કોર બનાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube