Olympics 2020: શિવપાલ બન્યો ભાલાફેંકમાં ઓલિમ્પિકની ટિકિટ મેળવનાર બીજો ભારતીય
Tokyo Olympic Games: ઓલિમ્પિક ગેમ્સ 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ટોક્યોમાં યોજાશે. આ માટે ભારતના ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા અને શિવપાલ સિંહે ક્વોલિફાઇ કરી લીધું છે.
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતના બે ભાલા ફેંક એથલીટ ભાગ લેતાં જોવા મળશે. નીરજ ચોપડા (Neeraj Chopra) પહેલાથી જ ઓલિમ્પિકની ટિકિટ હાંસિલ કરી ચુક્યો છે. હવે શિવપાલ સિંહ (Shivpal Singh)એ પણ ભારત માટે અલગ કોટા હાંસિલ કરી લીધો છે. શિવપાલે દક્ષિણ આફ્રિકામાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)ની ટિકિટ મેળવી છે. ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી જાપાનની રાજધાની ટોક્યોમાં થવાનું છે.
શિવપાલ સિંહે મંગળવારે 85.47 મીટરનું અંતર કાપતા 85 મીટરના કટ માર્કને પાર કર્યો હતો. તેણે શરૂઆતી ચાર પ્રયાસોમાં 80 મીટરથી ઓછું અંતર કાપ્યું હતું. તે પાંચમાં પ્રયાસમાં ઓલિમ્પિક માર્ક પાર કરવામાં સફળ રહ્યો હતો. કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ શિવપાલની સફળતાની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.
ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ લખ્યું, 'ટ્રેક તથા ફીલ્ડથી સારા સમાચાર છે. શિવપાલ સિંહે ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ હાંસિલ કરી લીધી છે. તે ભાલા ફેંકમાં ઓલિમ્પિક ટિકિટ મેળવનાર ભારતનો બીજો એથલીટ બની ગયો છે.'
શિવપાલ સિંહે પાછલા વર્ષે દોહામાં આયોજીત એશિયન ચેમ્પિયનશિપમાં 86.23 મીટરનું અંતર કાપ્યું હતું, જે તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શિવપાલે નોર્વેની રાજધાની ઓસ્લોમાં આયોજીત ડાયમંડ લીગ મીટિંગમાં પણ ભાગ લીધો હતો અને 80.87 મીટરની સાથે આઠમાં સ્થાન પર રહ્યો હતો.
ભારતનો અર્શદીપ સિંહ ટોક્યો ઓલિમ્પિક (Olympics 2020)ની ટિકિટ હાંસિલ કરી શક્યો નહીં. અર્શદીપે દક્ષિણ આફ્રિકામાં 75.02 મીટરનું અંતર કાપ્યું હતું. પાછલા મહિને નીરજે 87.86 મીટરની સાથે પ્રથમવાર ઓલિમ્પિકનો કોટા હાંસિલ કર્યો હતો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube