Olympics ના ઈતિહાસનો સૌથી અનોખો કિસ્સોઃ એક ખેલાડીએ પ્રતિસ્પર્ધી માટે મળેલો ગોલ્ડ મેડલ પાછો ધર્યો!
ટોક્યો ઓલિમ્પકમાં ઉંચીની રમતમાં પ્રતિસ્પર્ધીનો પગ ભાંગી જતા ખેલમાંથી ખસી ગયો, બીજા ખેલાડીએ કહ્યું મારો પ્રતિસ્પર્ધી રમી શકે એમ નથી તો મુકાબલા વિનાનો ગોલ્ડ મેડલ મારે નથી જોઈતો!
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ જાપાનના ટોક્યો ખાતે ખેલનો મહાકુંભ એટલેકે ટોક્યો ઓલિમ્પિક ચાલી રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના દેશો આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યાં છે. અલગ-અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોઝ મેડલથી સન્માનિત કરવામાં આવે છે. ઓલિમ્પિક દર 4 વર્ષમાં એકવાર આવે છે. અને આ ઓલિમ્પિકનું મેડલ જીતવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. ત્યારે શું તમને એવું માનવામાં આવે ખરું કે કોઈ ખેલાડીને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યો હોય અને તેણે પોતાના પ્રતિસ્પર્ધી માટે સામે ચાલીને ગોલ્ડ મેડલ પાછો ધરી દીધો હોય! ઓલિમ્પિકના અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ઘટના બની છે.
ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોનો ઉંચી કૂદનો મુકાબલો કોઈ ફિલ્મની કહાની કે કોઈ ઈમોશનલ ડ્રામાથી કમ નહોંતો. જ્યાં ટાઈ પડેલાં મુકાબલા બાદ ફરી બન્ને ખેલાડીઓને તક આપવામાં આવી. એક ખેલાડીએ ઘાયલ થઈ જતાં ફાઈનલ મુકાબલામાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું અને આપમેળે બીજો ખેલાડી ગોલ્ડ મેડલનો હકદાર થઈ ગયો. બસ અહીં જ આવ્યો આ સ્પર્ધાનો અનોખો અને અદભુત વળાંક.
ટોક્યો ઓલિમ્પિકના હાઈ જંપ મુકાબલાની હાઈક્લાસ સ્ટોરીઃ
આ કહાની છે ટોક્યો ઓલિમ્પિકના હાઈ જંપના મુકાબલાની. ટોકિયો ઓલમ્પિકમાં ઈટાલીના ગિયાનમાર્કો તંબેરી (Gianmarco Tamberi) અને કતારના મુત્તાઝ એસ્સા બાર્શીમ (Mutaz Essa Barshim) વચ્ચે ઊંચી કુદનો ફાઇનલ મુકાબલો હતો. ગોલ્ડમેડલ મેળવવા માટે બંનેએ પોતાની પૂરી તાકાત લગાવીને ઊંચો કૂદકો લગાવ્યો. બંને વચ્ચે ટાઈ પડી કારણકે બંનેએ 2.37 મીટરનો કૂદકો લગાવ્યો હતો.
ટાઈ દૂર કરવા બન્ને ખેલાડીઓને અપાઈ ત્રણ-ત્રણ તકઃ
ટાઈ દૂર કરવા માટે નિયમ પ્રમાણે બંનેને ત્રણ-ત્રણ પ્રયાસ કરવાના હતા. કમનસીબે બંનેમાંથી કોઈપણ ખેલાડી ત્રણ પ્રયાસો પછી પણ 2.37 મીટર કરતા વધુ ઊંચો કૂદકો લગાવી શક્યા નહિ. ટાઈનો રેકર્ડ બ્રેક ન થતા બંનેને વધુ એક પ્રયાસ કરવાની તક મળી. હવે જે વધુ ઊંચો કૂદકો મારી શકે તે ગોલ્ડમેડલ વિજેતા થાય.
ઈટાલીનો તંબોરી ઘાયલ થતાં સ્પર્ધામાંથી આપમેળે ખસી ગયોઃ
ટાઈ દૂર કરવા માટેના 3 પ્રયાસો કરતી વખતે તંબોરીને પગમાં ગંભીર ઇજા થઇ હતી આથી તેનાથી કૂદકો લાગી શકે તેમ ન હતો. એણે પ્રયાસ પડતો મુકવાનો નિર્ણય કર્યો અને પોતાની જાતને ફાઇનલમાંથી બહાર કરી દીધી. હવે ગોલ્ડમેડલ બાર્શીમનો જ હતો કારણકે તેનો પ્રતિસ્પર્ધી સ્પર્ધામાંથી ખસી ગયો હતો.
કતારના બાર્શીમેં કહ્યું મારો પ્રતિસ્પર્ધી ઘાયલ છે, મારે નથી જોઈતો મુકાબલા વિનાનું મેડલ:
બાર્શીમે કહ્યુ, "મારો પ્રતિ સ્પર્ધી રમી શકે એવી સ્થિતિમાં જ ન હોય તો એવો ગોલ્ડમેડલ જીતીને મારે શું કરવો છે?" વિજયની ઘડીએ બાર્શીમેં નિર્ણાયકોને પૂછ્યું કે 'હું પણ ફાઇનલમાંથી હટી જાવ તો ગોલ્ડમેડલ અમારા બંને વચ્ચે વહેંચી શકાય?' ત્યારે નિર્ણાયકો સહિત આખી દુનિયા આશ્વર્યચકિત થઈ ગઈ કે આ માણસ ઓલિમ્પિકમાં જીતેલો ગોલ્ડ મેડલ જતો કેમ કરે છે? નિર્ણાયકોએ નિયમો ચકાસીને બાર્શીમને કહ્યુ, 'જો તમે પણ ફાઇનલમાંથી ખસી જાવ તો ગોલ્ડમેડલ તમારા બંને વચ્ચે વહેંચી શકાય.' બસ તે જ ક્ષણે બાર્શીમેં જાહેર કર્યું કે હું પણ ફાઇનલમાંથી મારી જાતને પાછી ખેંચુ છું.
જીતના જશ્ન કરતા મોટી હોય છે જીતમાં બીજાને ભાગીદાર બનાવવાની ખુશીઃ
બાર્શીમ (Mutaz Essa Barshim) ની ખેલદિલી અને દરિયાદીલીથી ફાઇનલ હારી ચુકેલો તંબેરી (Gianmarco Tamberi) ગોલ્ડમેડલ વિજેતા થયો અને ટોકિયો ઓલમ્પિકની ઊંચી કુદનો ગોલ્ડમેડલ એક નહીં બે વ્યક્તિઓ વચ્ચે સમાન ભાગે વહેંચાયો. જીતના જશ્ન કરતા જીતમાં બીજાને ભાગીદાર બનાવવાની ખુશી મોટી હોય છે એ વસ્તુનો બોધપાઠ બાર્શીમે દુનિયાને આપ્યો.