ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે. સાતમા દિવસે ભારત માટે ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો. મિથરવાલનો આ બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10 મીટર સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201.1ના સ્કોર સાથે બ્રોન્ઝ પર કબ્જો જમાવ્યો. જ્યારે જિતુ રાયે નિરાશ કર્યાં. તેઓ 105નો સ્કોર કરીને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ રેપાચોલીએ મેળવ્યો. તેણે 227.2નો કુલ સ્કોર કરીને ગેમ રેકોર્ડ બનાવ્યો. જ્યારે સિલ્વર મેડલ બાંગ્લાદેશના શકીલ અહેમદે મેળવ્યો જેણે 220.5નો સ્કોર કર્યો. ભારતને આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 11 ગોલ્ડ મળ્યા છે. જ્યારે 4 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ સાથે ભારતને મળેલા કુલ મેડલ્સની સંખ્યા 22 થઈ ગઈ છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ ત્રીજા સ્થાને છે. સાતમા દિવસે ભારતને બોક્સરો પાસેથી મેડલની આશા છે.


આ અગાઉ 10 મીટર સ્પર્ધામાં ગોલ્ડ જીતી ચૂકેલા જીતૂ રાયે અને ઓમ મિથરવાલે 50 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. મિથરવાલ અને જીતૂએ આ સ્પર્ધામાં ક્રમશ પહેલો અને છઠ્ઠો ક્રમ મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જીતૂએ કુલ સ્કોર 542 કરીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી જ્યારે મિથરવાલે 549નો સ્કોર કર્યો હતો.