નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ગણના હાલના સમયમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં થાય છે. વિકાટ અને તેના ફેન્સ માટે 18 ઓગસ્ટનો દિવસ ખાસ છે. તેણે આજના દિવસે 11 વર્ષ પહેલા (18 ઓગસ્ટ 2008)ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને પ્રથમવાર ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સી પહેરીને ઉતર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટે દાંબુલાના મેદાન પર પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરનો પ્રારંભ કર્યો હતો. ત્યારે શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા વનડે સિરીઝની પ્રથમ મેચ રમવા ઉતરી હતી. અહીં વિરાટે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનિંગ ઓપનર તરીકે શરૂ કરી હતી. તે મેચને 11 વર્ષ થઈ ગયા છે અને આજે વિરાટ કોહલી વનડે અને ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. 


વીરૂ ઈજાગ્રસ્ત થતાં મળી હતી તક
વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગને શ્રીલંકા વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચમાં ઈજા થવાના કારણે વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય કરિયરમાં પર્દાપણ કરવાની તક મળી હતી. પરંતુ તે માત્ર 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ નુવાન કુલસેકરાને મળી હતી. તેણે 22 બોલનો સામનો કર્યો અને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં 1 ચોગ્ગો ફટકાર્યો હતો. તે 33 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો હતો. 


શ્રીલંકાએ જીતી હતી મેચ
ક્રિકેટની દુનિયામાં આજે વિરાટ કોહલી જે કદનો ખેલાડી છે. તે પ્રમાણે પ્રથમ મેચમાં પ્રદર્શન કરી શક્યો નહતો. આજે તે રનનો ઢગલો કરી રહ્યો છે. તે મેચમાં કોહલી માત્ર 12 રન બનાવી શક્યો હતો. ભારતીય ટીમ 146 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન શ્રીલંકાએ મેચ 8 વિકેટથી પોતાના નામે કરી હતી. 


આવો છે રેકોર્ડ
વનડેમાં વિરાટના નામે 43 સદી છે, તેનાથી આગળ માત્ર સચિન તેંડુલકર છે. વનડેમાં વિરાટે અત્યાર સુધી 54 અડધી સદી ફટકારી છે. તે અત્યાર સુધી 11520* રન બનાવી ચુક્યો છે. વર્ષ 2011મા વિરાટે ટેસ્ટમાં પર્દાપણ કર્યું, આ ફોર્મેટમાં તેના નામે 6613 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 6 બેવડી સદી છે. આ સિવાય ટી20 આંતરરાષ્ટ્રીયમાં વિરાટ 21 અડધી સદીની સાથે 2369 રન બનાવી ચુક્યો છે. વર્ષ 2010મા વિરાટે ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.