PAK vs NZ: કીવીઓનું સપનું રોળાયું, બાબર સેનાનું દમદાર પ્રદર્શન, પાકિસ્તાન ફાઇનલમાં
ICC T20 World Cup, PAK vs NZ: શાહીન શાહ આફ્રિદીની દમદાર બોલિંગ અને બાબર-રિઝવાનની શાનદાર બેટિંગની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
સિડનીઃ આખરે પાકિસ્તાને 1992ના વિશ્વકપની જેમ ચમત્કારિક પ્રદર્શન કરતા આઈસીસી ટી20 વિશ્વકપ 2022ની ફાઇનલમાં દબદબાભેર પ્રવેશ કરી લીધો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમીફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી મેલબોર્નની ટિકિટ કન્ફોર્મ કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19.1 ઓવરમાં 3 વિકેટે 153 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. પાકિસ્તાન 13 વર્ષ બાદ ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા પાકિસ્તાને 2009માં ટી20 વિશ્વકપની ટ્રોફી જીતી હતી.
પાવરપ્લે પાકિસ્તાનના નામે
ન્યૂઝીલેન્ડે આપેલા 153 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને દમદાર શરૂઆત અપાવી હતી. આ ટૂર્નામેન્ટમાં બંને બેટર મોટી ઈનિંગ રમી શક્યા નહોતા. પરંતુ સેમીફાઇનલ જેવી મહત્વની મેચમાં બંનેએ દમદાર બેટિંગ કરતા પાવરપ્લેમાં 55 રન જોડી દીધા હતા.
બાબર અને મોહમ્મદ રિઝવાનની અડધી સદી
પાકિસ્તાન માટે બંને ઓપનરોએ દમદાર બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડના બેટરો પર પ્રહારો કર્યાં હતા. બંનેએ 100 રનની ભાગીદારી પણ કરી હતી. બાબર આઝમ 42 બોલમાં 7 ચોગ્ગા સાથે 53 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. તો મોહમ્મદ રિઝવાને 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મોહમ્મદ રિઝવાને 43 બોલમાં 5 ચોગ્ગા સાથે 57 રન ફટકાર્યા હતા. રિઝવાન ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો.
પાકિસ્તાન માટે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા યુવા બેટર મોહમ્મદ હારિસે 26 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સ સાથે 30 રન બનાવ્યા હતા. હારિસ સેન્ટનરનો શિકાર બન્યો હતો. શાન મસૂદે અણનમ 3 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે બે તથા સેન્ટનરે એક વિકેટ લીધી હતી.
પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડે ગુમાવી બે વિકેટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ ઓવરમાં મોટો ઝટકો આપ્યો હતો. આક્રમક બેટર ફિન એલેનને (4) રને LBW આઉટ કરી પાકિસ્તાનને મોટી સફળતા અપાવી હતી. ત્યારબાદ પાવરપ્લેના અંતિમ બોલ પર પાકિસ્તાનને ડેવોન કોનવેના રૂપમાં બીજી સફળતા મળી હતી. કોનવે (21) રન બનાવી રનઆઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ છ ઓવરમાં 2 વિકેટે 38 રન બનાવ્યા હતા.
ફિલિપ્સ ફેલ, વિલિયમસને સંભાળી ઈનિંગ
ન્યૂઝીલેન્ડ માટે ટી20 વિશ્વકપ 2022માં સૌથી વધુ રન બનાવનાર ગ્લેન ફિલિપ્સ પણ મહત્વની મેચમાં ફ્લોપ રહ્યો હતો. તેને 6 રનના સ્કોર પર મોહમ્મદ નવાઝે કેચઆઉટ કરાવી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસને ડેરેલ મિચેલ સાથે મળીને ઈનિંગને સંભાળી હતી. વિલિયમસન 42 બોલમાં 46 રન બનાવી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો.
મિચેલની અડધી સદી
ન્યૂઝીલેન્ડ માટે ડેરેલ મિચેલે સૌથી વધુ રન ફટકાર્યા હતા. મિચેલે આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની સેમીફાઇનલમાં પણ અડધી સદી ફટકારી હતી. તો આજે પણ સિડનીમાં મિચેલે 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સાથે અણનમ 53 રન બનાવ્યા હતા. તો જેમ્સ નીશમ 12 બોલમાં 16 રન બનાવી અણનમ રહ્યો હતો.
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 24 રન આપી બે વિકેટ લીધી હતી. તો એક સફળતા મોહમ્મદ નવાઝને મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube