લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકની પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂંક કરી છે. પાકિસ્તાન ટીમને આશા છે કે નવા કોચ અને પસંદગીકારના રૂપમાં મિસ્બાહ આવવાથી ટીમના પ્રદર્શનમાં આશા પ્રમાણે સુધાર થશે. હાલમાં સંપન્ન થયેલા વિશ્વ કપમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં ન પહોંચી શકી અને ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વ કપ સુધી ટીમના હેડ કોચ રહેલા મિકી આર્થરના કાર્યકાળને આગળ ન વધારવાનો નિર્ણય કર્યો હતો. આર્થરની સાથે-સાથે પાકિસ્તાને પોતાના બોલિંગ કોચ અઝહર મહમૂદ અને બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને પણ બહારનો રસ્તો દેખાડી દીધો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, મિસ્બાહ આગામી ત્રણ વર્ષ સુધી પાકિસ્તાન ટીમનો મુખ્ય કોચ રહેશે. 


પીસીબી તરફથી જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું, 'પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકની આગામી 3 વર્ષ સુધી ક્રિકેટના તત્રેણ ફોર્મેટમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય પુરૂષ ટીમના હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.' આ સાથે પીસીબીએ પારદર્શિતા, જવાબદારી અને દરેક સ્તર પર સ્પષ્ટતા માટે પૂર્વમાં આપેલા પોતાના વચનને ધ્યાનમાં રાખતા મિસ્બાહને મુખ્ય કોચની સાથે-સાથે પસંદગી સમિતિના ચીફ સિલેક્ટરની પણ જવાબદારી આપી છે. 


મિસ્બાહ પાકિસ્તાનનો 30મો મુખ્ય કોચ બન્યો છે. પરંતુ આ પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ઘટના છે, જ્યારે હેડ કોચને ચીફ સિલેક્ટરની જવાબદારી પણ સોંપવામાં આવી છે. મિસ્બાહની સાથે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યૂનિસને બોલિંગ કોચના રૂપમાં પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા વકાર બે વાર પાકિસ્તાનનો હેડ કોચ રહી ચુક્યો છે.