બર્મિંઘમઃ દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવ્યા બાદ ટૂર્નામેન્ટમાં સેમીફાઇનલની આશા જીવંત રાખનારી પાકિસ્તાનની ટીમ વિશ્વકપમાં 'કરો યા મરો'ના મુકાબલામાં આજે શાનરા ફોર્મમાં ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ ટીમ સામે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સામે હાર્યા બાદ આલોચનાનો સામનો કર્યા બાદ પાકિસ્તાની ટીમે પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 49 રને પરાજય આપ્યો હતો. પરંતુ તેનો આગળનો માર્ગ મુશ્કેલ છે. પાકિસ્તાન બે જીત અને ત્રણ હાર બાદ છ મેચોમાં પાંચ પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. સરફરાઝ અહમદ અને તેની ટીમે હવે ન માત્ર બાકીની ત્રણેય મેચોમાં વિજય મેળવવો પડશે, પરંતુ બીજી મેચોના પરિણામ પણ અનુકૂળ આવે તેવી પ્રાર્થના કરવી પડશે. પાકિસ્તાન આક્રમણની કમાન મોહમ્મદ આમિર સંભાળી રહ્યો છે જેણે 15 વિકેટ ઝડપી છે. પરંતુ બીજી તરફ અન્ય બોલરોનો સાથ મળ્યો હતો. પ્રથમ મેચ બાદ બહાર કરવામાં આવેલા હારિસ સોહેલે છેલ્લી મેચમાં વાપસી કરતા 89 રન ફટકાર્યા હતા. શાદાબ ખાન અને વહાબ રિયાઝે પણ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચમાં બોલરો અને બેટ્સમેનો મળીને સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યાં, પરંતુ પાકિસ્તાનની ફીલ્ડિંગ ચિંતાનો વિષય છે. 


બીજીતરફ ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી અજેય છે અને તેના છ મેચોમાં 11 પોઈન્ટ છે. કેપ્ટન કેન વિલિયમસને મોર્ચાની આગેવાની કરીને સંકટમોચકની ભૂમિકા નિભાવી છે. આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેણે સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. રોસ ટેલરે પણ રન બનાવ્યા છે, પરંતુ માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરો મોટી ઈનિંગ રમવમાં નિષ્ફળ રહ્યાં છે. બોલિંગમાં લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ડ પણ સારા ફોર્મમાં છે. આ સિવાય જેમ્સ નીશામ અને કોલિન ડિ ગ્રાન્ડહોમ પણ ઓલરાઉન્ડરની ભૂમિકામાં ઉપયોગી સાબિત થયા છે. કીવી ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી છે અને વધુ એક મેચમાં આમ થશે તો વિલિયમસન પર પ્રતિબંધ લાગી શકે છે.


પ્લેઇંગ XI (સંભવિત)
ન્યૂઝીલેન્ડઃ કોલિન મુનરો, માર્ટિન ગુપ્ટિલ, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, જેમ્સ નીશામ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.


પાકિસ્તાનઃ ફખર જમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાઝ અહમદ, હારિસ સોહેલ, ઇમાદ વસીમ, શાદાબ ખાન, શાહિન આફ્રિદી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર.